Connect Gujarat
સુરત 

સુરત : અનંતની વાટે ગ્રીષ્મા, પરિવારનું હૈયાફાટ રૂદન, માત્ર આંખો જ નહિ હૈયા પણ રડયાં

X

સુરતના પાસોદર ચોકડી પાસે એક તરફી પ્રેમમાં પાગલ બનેલાં યુવાનની ક્રુરતાનો ભોગ બનેલી યુવતી ગ્રીષ્માની અંતિમયાત્રા ટાણે આંસુનો દરિયો વહયો હતો. ગ્રીષ્માની ડોલીના બદલે અર્થીને કાંધ આપતા પિતા તથા આક્રંદ કરતાં પરિવારને જોઇ ઉપસ્થિત સૌ કોઇની આંખો જ નહિ પણ હૈયા પણ ભીંજાય ગયાં હતાં.

પાસોદરની આશાસ્પદ યુવતી ગ્રીષ્મા વેકરીયા છેલ્લા એક વર્ષ ઉપરાંતથી ફેનીલ ગોયાણી નામના માથાભારે યુવાનના ત્રાસથી ત્રસ્ત હતી. એક તરફી પ્રેમમાં પાગલ બનેલો ફેનીલ ગ્રીષ્માને હેરાન કરવાની એક તક છોડતો ન હતો. ગ્રીષ્માનું જીવવાનું તેણે મુશ્કેલ કરી નાંખ્યું હતું. ગ્રીષ્મા ફેનીલથી પીછો છોડાવવા માંગતી હતી પણ કુદરતને કઇ અલગ જ મંજુર હતું. તારીખ 12મી ફેબ્રુઆરીના રોજ ફેનીલે ચપ્પુની અણીએ ગ્રીષ્માને બંધક બનાવી લીધી હતી અને પાસોદરા પાટીયા પાસે તેને જાહેરમાં રહેસી નાંખી હતી. ગ્રીષ્માની હત્યા બાદ ફેનીલે પણ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ગ્રીષ્માની કરપીણ હત્યાએ સમગ્ર ગુજરાતને હચમચાવી નાંખ્યું છે. દરેક વાલીઓને હવે દીકરીઓની ચિંતા સતાવી રહી છે.

ફેનીલે માત્ર ગ્રીષ્માની જ નહિ પણ માનવતાની હત્યા કરી હોય તેમ દરેક લોકો અનુભવી રહયાં છે. સુરત જિલ્લામાં બેફામ બનેલાં ગુનેગારો સામે હવે લોકો ઘુંટણીયા ટેકવા મજબુર બની ગયાં હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અને મહત્વની વાત તો એ છે કે, રાજયના ગૃહમંત્રીનું હોમટાઉન પણ સુરત જ છે. ગૃહમંત્રીના હોમ ટાઉનમાં જ વધતી ગુનાખોરી ચિંતાનો વિષય બની છે. સુરત શહેરમાં હર્ષ સંઘવી વિરૂધ્ધ પોસ્ટર્સ પણ લાગ્યાં છે.

ગ્રીષ્માના પિતા આફ્રિકામાં હોવાથી ગ્રીષ્માના અંતિમસંસ્કાર બે દિવસ સુધી કરવામાં આવ્યા નહોતા. દીકરીની નિર્મમ હત્યા અંગે સાંભળી પિતાનું તો હૃદય કપાઈ ગયું હતું. આફ્રિકાથી સુરત આવેલા પિતાને દીકરીની હત્યાની જાણ થતાં જ જમીન પર ઢળી પડ્યા હતા. ગ્રીષ્માની અંતિમયાત્રા નીકળી ત્યારે આખો વિસ્તાર હીબકે ચઢયો હતો. ગ્રીષ્માના હત્યારા ફેનીલને ફાંસીની સજા આપવામાં આવે તેવી સૌની માંગણી છે. પોતાની વ્હાલસોયી બહેનને બચાવવા આવેલાં તેના ભાઇને પણ નિષ્ઠુર ફેનીલે ચપ્પુના ઘા માર્યા હતાં. ઘાયલ અવસ્થામાં ભાઇએ પોતાની બહેનને અંતિમ વિદાય આપી હતી. અશ્વિનીકુમાર સ્મશાનગૃહની બહાર ટ્રાફિકજામ થઇ ગયો હતો. તમામના ચહેરા પર દુખની સાથે રોષ સાફ જોવા મળતો હતો. કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો. ગ્રીષ્માનો નશ્વર દેહ પંચ મહાભુતમાં વિલિન થઇ ગયો હોય પણ એક ગુનેગાર કેટલી હદ સુધી જઇ શકે છે તેનો સૌને અહેસાસ કરાવી ગયો છે.

Next Story