રક્ષાબંધન ધાર્મિક અને આત્મિક શુદ્ધિનો પણ પર્વ
કર્મનાથ મહાદેવ ખાતે શ્રાવણી ઉપાકર્મ વિધિ
શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે કરવામાં આવી વિધિ
બ્રાહ્મણોએ નવી યજ્ઞોપવિત કરી ધારણ
ભાઈ બહેનના અતૂટ પ્રેમના પર્વની ઉજવણી
સુરતમાં શ્રાવણી પૂનમ એટલે કે બળેવના પાવન પ્રસંગે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા.અને શ્રાવણી ઉપાકર્મ વિધિ થકી નવી યજ્ઞોપવિત ધારણ કરી હતી.
શ્રાવણ માસની પૂનમના પવિત્ર દિવસે દેશભરમાં રક્ષાબંધનનો તહેવાર ભાઈ-બહેનના પ્રેમ અને રક્ષાના અતૂટ બંધનના પ્રતીક તરીકે ઉજવવામાં આવે છે. રક્ષાબંધનનો પર્વ બ્રાહ્મણ સમાજ માટે વિશેષ મહત્ત્વ ધરાવે છે. આ દિવસે બ્રાહ્મણો દ્વારા 'શ્રાવણી ઉપાકર્મ' વિધિનું આયોજન કરવામાં આવે છે, જેમાં તેઓ જૂની જનોઈ બદલીને નવી ધારણ કરે છે. આ વિધિને શાસ્ત્રોકત મંત્રોચ્ચાર સાથે સંપન્ન કરવામાં આવે છે. આ પ્રક્રિયાને શુદ્ધિ, પ્રાયશ્ચિત અને નવા સંકલ્પનું પ્રતીક માનવામાં આવે છે.
સુરતમાં આ પવિત્ર અવસરે કર્મનાથ મહાદેવ મંદિર ખાતે મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકત્ર થયા હતા. ત્યાં શ્રાવણી ઉપાકર્મ વિધિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. બ્રાહ્મણોએ વેદોક્ત મંત્રોના પાઠ સાથે જૂની જનોઈનો ત્યાગ કરી નવી જનોઈ ધારણ કરી હતી.આ પ્રસંગે વાતાવરણમાં એક અનોખી આધ્યાત્મિકતા અને પવિત્રતાનો અનુભવ થયો હતો.
આ ઉપરાંત રક્ષાબંધનના પર્વ પર બહેનો તેમના ભાઈઓના કલાઈ પર રાખડી બાંધીને તેમના લાંબા આયુષ્ય, સુખ-સમૃદ્ધિ અને કલ્યાણ માટે પ્રાર્થના કરે છે, જ્યારે ભાઈઓ તેમની રક્ષા કરવાનું વચન આપે છે. આ તહેવાર માત્ર ભાઈ-બહેનના સંબંધને જ નહીં, પરંતુ સામાજિક અને ધાર્મિક મહત્વને પણ ઉજાગર કરે છે.