Connect Gujarat
સુરત 

સુરત : ઉદ્યોગપતિ મહેશ સવાણી ભાજપ છોડી AAPમાં જોડાયા, કહયું મારે સેવા કરવી છે

દીલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં ભાજપના અગ્રણી અને ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાયાં

X

દિલ્હી બાદ હવે ગુજરાતમાં સત્તા મેળવવા આમ આદમી પાર્ટી અત્યારથી એડીચોટીનું જોર લગાવી રહી છે. દીલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયાની હાજરીમાં ભાજપના અગ્રણી અને જાણીતા ઉદ્યોગપતિ મહેશ સવાણી આમ આદમી પાર્ટીમાં જોડાઇ ગયાં છે.

રાજયમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચુંટણીમાં બેઠકો મળ્યાં બાદ આમ આદમી પાર્ટીના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. રાજયના અનેક નામી ચહેરાઓ હવે આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહયાં છે. રવિવારના રોજ દીલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદીયા સુરતની મુલાકાતે આવ્યાં હતાં. તેમની હાજરીમાં જાણીતા ઉદ્યોગપતિ અને સમાજ સેવક મહેશ સવાણી ભાજપ છોડી આમ આદમી પાર્ટીમાં સામેલ થયાં છે. મનીષ સીસોદીયાએ જણાવ્યું કે, સુરતમાં હવે યુવાનો અને ભણેલા લોકોની ટીમ એકઠી થઈ છે, ગુજરાતમાં પણ હવે આપનું કામ બોલે છે. ગુજરાતીઓને આપ પ્રત્યે વધુ વિશ્વાસ છે. મહેશ સવાણીએ લાંબા સમયે સુધી સેવાભાવી કાર્યો કર્યા છે અને હવે તેઓ આપમાં જોડાયા છે અને તેમનું પાર્ટીમાં સ્વાગત છે.

મહેશ સવાણીએ જણાવ્યું હતું કે, મારે આખા ગુજરાતની સેવા કરી શકો છો. બીજી પાર્ટીમાં જશો તો હેરાન થશો, મારે સેવા કરવી છે શું થશે મને ગોળી મારી દેશે, મેં મારી જિંદગી જીવી લીધી છે, સમાજના કામમાં રાજકારણ ન હોવું જોઈએ. તમામ ખાનગી શાળાઓને ટક્કર મારે એવી સરકારી શાળાઓ આપએ દિલ્હીમાં બનાવી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, મેં 80 વર્ષ જૂનું બિલ્ડિંગ પસંદ નથી કર્યું, બસ મારે સેવા કરવી છે, મેં વિદેશની, અહીંયાની અને દિલ્હીની સરકાર જોઈ છે એટલે મેં આ પક્ષ પસંદ કર્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મહેશ સવાણી વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલાં છે અને તેમની સમાજ સેવાની સુવાસ દેશભરમાં ફેલાયેલી છે. ખાસ કરીને અનાથ દીકરીઓના સમુહ લગ્નોત્સવે તેમને આગવી ઓળખ અપાવી છે. આ ઉપરાંત તાઉતે વાવાઝોડા દરમિયાન સૌરાષ્ટ્ર વિસ્તારમાં તેમણે કરેલી મદદને લોકો વખાણી રહયાં છે.

બીજી તરફ મહાનગરપાલિકાની શિક્ષણ સમિતિની ચુંટણી દરમિયાન આમ આદમી પાર્ટીમાં ફુટ પડાવવામાં ભાજપ સફળ રહી છે. મનીષ સિસોદિયાના સ્વાગત માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં આપ કાર્યકર્તાઓ ભેગા થઈ ભવ્ય સ્વાગત કરવાની વાત બહાર આવતા પોલીસે વહેલી સવાર થી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. મગદલ્લા ચોકડી પરથી જ કાર્યકર્તાઓ ને પરત મોકલી દેવાતા આપના કાર્યકર્તાઓએ નારાજગી વ્યક્ત કરી હતી. રાજયમાંથી એક પછી એક નામી લોકો આમ આદમી પાર્ટીમાં જોડાઇ રહયાં છે ત્યારે આગામી વિધાનસભાની ચુંટણી અત્યારથી જ રસપ્રદ બની રહી છે.

Next Story