/connect-gujarat/media/post_banners/e51b60a9dfb44af90c9972cc1e78c993dfbf5c2961c108c14846de1fef7641a5.jpg)
સુરતમાં માસ્ક પહેરવાની નજીવી બાબતે યુવાનને ઢોર માર મારી કોમામાં લાવી દેનારા ઉમરાના 5 પોલીસકર્મીઓ સામે આખરે ફરિયાદ નોંધાય છે. રાજયના ગૃહમંત્રી બન્યાં બાદ હર્ષ સંઘવી પોલીસ વિભાગની છબી સુધારવા તનતોડ મહેનત કરી રહયાં છે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ તેમના પ્રયાસો પર પાણી ફેરવી રહયાં છે. પોલીસ વિભાગ મોટા મોટા બેનર્સ લગાવે છે અને લખાવે છે કે પોલીસ પ્રજાનો મિત્ર છે પણ કેટલાક પોલીસ કર્મચારીઓ હેવાન કરતાં પણ બદતર છે. સુરતના અન્સારી પરિવાર માટે ત્રણ પોલીસકર્મી યમરાજ કરતાં પણ વધારે ખરાબ સાબિત થયાં છે. પોતાનો અહમ સંતોષવા આ ત્રણેય પોલીસ કર્મચારીઓ સમીર અન્સારી પર તુટી પડયાં હતાં અને ઢોર માર માર્યો હતો.
પોલીસના મારથી સમીર કોમામાં ચાલ્યો ગયો છે. પુત્રનું જીવન બરબાદ કરી દેનારા પોલીસ કર્મીઓ સામે પિતા પોલીસ ફરિયાદ નોંધાવવા ગયાં તો પોલીસે ફરિયાદ લેવાનો ઇન્કાર કરી દીધો..આખરે તેમણે કોર્ટના દ્વાર ખખડાવ્યાં અને કોર્ટે પોલીસ કમિશ્નરને ફરિયાદ નોંધવા માટે આદેશ કર્યો છે. ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિલેશ, ધનસુખ સહિત 5 પોલીસ કર્મીઓ સામે ફરિયાદ નોંધાય છે..ઘટનાની વિગતમાં વાત કરીએ તો, સુરતના ભરીમાતા વિસ્તારમાં રહેતો સમીર કામિલ અન્સારી 22 જુલાઈ 2021ના રોજ પોતાના મિત્રો સાથે વેસુના વીઆઈપી રોડ પર આવેલાં એક કાફેમાં ગયો હતો. જ્યાંથી રાત્રિના સાડા આઠ વાગ્યે તે ઘરે જવા પરત ફર્યો હતો. જે બાદ ઉમરા પોલીસ સ્ટેશનના પોલીસકર્મી નિલેશ, ધનસુખ તેમજ અન્ય સ્ટાફે સમીરને અટકાવ્યો હતો. જયાં સમીરે હજી કરફયુનો સમય થયો નથી તેમ કહેતાં પોલીસકર્મીઓ ઉશ્કેરાય ગયાં હતાં અને સમીરને વાનમાં નાંખી મારપીટ શરૂ કરી દીધી હતી.
પોલીસની હેવાનિયત સામે સમીરની દલીલ હારી ગઇ હતી અને સમીર બેભાન બની ગયો હતો. સમીર લાચાર હતો તો પોલીસ કર્મચારીઓ ખાખીના નશામાં મદમસ્ત હતાં. એક હસતા ખેલતા પરિવારને પોલીસ કર્મચારીઓએ અહમ સંતોષવા માટે વિખેરી નાંખ્યો.. આ પોલીસકર્મીઓના માતા અને પિતા પણ કદાચ આવા સંતાનોના કારણે શરમ અનુભવતાં હશે. પેટે પાટા બાંધી સંતાનોને પોલીસખાતામાં ભરતી કરાવ્યાં હશે પણ તેઓ તો કાયદાના રક્ષકના બદલે ભક્ષક નીકળ્યાં... આ બેશરમ પોલીસ કર્મીઓએ સમીર ચાલુ ગાડીએ ભાગવા જતાં પડી જતાં ઇજાગ્રસ્ત થયો હોવાનું જુઠ્ઠાણુ ચલાવ્યું હતું પણ કોર્ટમાં તેમના જુઠ્ઠાણાની હવા નીકળી ગઇ છે.