-
ક્રાઈમ બ્રાન્ચનું સફળ ઓપરેશન
-
ડ્રગ્સ સાથે ત્રણ આરોપીઓની કરી ધરપકડ
-
પોલીસે આરોપીઓ પાસેથી 80.140 ગ્રામ એમડી ડ્રગ્સ કબજે કર્યું
-
ડ્રગ્સની આંતરરાષ્ટ્રીય કિંમત રૂપિયા 8,01,400
-
કોર્ટે આરોપીઓના કર્યા ચાર દિવસના રિમાન્ડ મંજૂર
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમે બે દિવસમાં રાંદેર વિસ્તારમાંથી ત્રણ રીઢા આરોપીઓને 80.140 ગ્રામ ડ્રગ્સ સાથે પકડી પાડ્યા હતા.અને કોર્ટે આરોપીઓના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
સુરત ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, રાંદેર અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસેથી ડ્રગ્સ પેડલર પસાર થવાના છે. ક્રાઇમ બ્રાંચની ટીમે તા.25મીની રાત્રે અમર ચિલ્ડ્રન હોસ્પિટલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાનમાં રાત્રે 11.30 વાગ્યાના અરસામાં ત્યાંથી મોપેડ પર પસાર થઇ રહેલા ફહદ સઇદ શેખ અને સાહિલ અલ્તાફ સૈયદને રોકીને જડતી લેતા તેમની પાસેથી રૂપિયા 5 લાખ 38 હજાર 200ની કિંમતનું 53.820 ગ્રામ એમડી ડ્રગ્સ મળી આવ્યું હતું. પોલીસે ડ્રગ્સ કબજે લઇ બંનેની ધરપકડ કરી હતી. ફહદ અને સાહિલ સાળા બનેવી થાય છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ તેને આ ડ્રગ્સ રાંદેર શાહ ભાગળમાં રહેતા સોહાન હજીફુલ્લાખાને વેચવા માટે આપ્યુ હોવાનું જણાવતા પોલીસે સોહાનની તેના ઘરેથી ધરપકડ કરી હતી. સોહાન પાસેથી પોલીસને રૂપિયા 2 લાખ 63 હજાર 200ની કિંમતનું 26.320 ગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું.
પોલીસે આ ડ્રગ્સ કબજે લઈ તેની ધરપકડ કરી હતી. આરોપીઓને પોલીસે કોર્ટ સમક્ષ રજુ કરી 4 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ડ્રગ્સ સાથે પકડાયેલો સાહિલ રીઢો ગુનેગાર છે. વર્ષ 2019માં તેણે સગા કાકાની હત્યા કરી હતી.છ મહિના જેલમાં રહ્યો હતો.પાસામાં સાત મહિના કાઢ્યા હતા.