/connect-gujarat/media/post_banners/b32180fa93ad7c7a4efa85d96433b3d35a588042fb48b673948b4b984043af27.jpg)
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં એક નહીં પરંતુ 2,151 ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓ છેતરપિંડીની ભોગ બની છે. કાપોદ્રા વિસ્તારમાં રહેતા રામજી ચોપડાએ યુવતીઓને 5 લાખ રૂપિયા રોકડ, ઘર સહિત ચાંદીની ગાય આપવાની લાલચ આપી મોબાઈલ નંબર મેળવ્યા બાદ યુવતીઓને વ્હોટ્સએપ પર ચેટિંગ અને વીડિયો કોલ કરી હેરાન પરેશાન કરતો હતો.
સુરત શહેરના કાપોદ્રા વિસ્તારમાં આવેલ વિશાલ નગર ખાતે રહેતા જગુ ગોહિલે માનેલી બહેનના પુત્ર રામજી ચોપડાએ સેવાના નામે જગુભાઈને ગરીબ અને મધ્યમ વર્ગની યુવતીઓને 5 લાખ રૂપિયા રોકડ, ઘર અને ચાંદીની ગાય આપવાની વાત કરી દીકરીઓના નામ અને નંબરની યાદી માંગી હતી. ફરિયાદી જગુભાઈએ આરોપીના ચુંગાલમાં આવી અલગ અલગ મિત્રો સાથે આરોપીએ કરેલી વાતની ચર્ચા કરી હતી. ત્યારબાદ મિત્રોની મદદથી 2,151 દીકરીઓનો સંપર્ક કર્યો હતો, અને દીકરીઓના નામ અને મોબાઈલ નંબર સાથેની યાદી બનાવી હતી. આરોપીએ દીકરીઓને 5 લાખ રૂપિયા તથા ઇલેક્ટ્રીક બાઈક અને ચાંદીની ગાય સહિત વિધવા મહિલાઓને 5 લાખ રૂપિયા આપવાનું જણાવ્યું હતું. આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ, નંબરની યાદી મેળવી લીધી હતી. એટલું જ નહીં, આરોપીએ 6 ફેબ્રુઆરીના રોજ કાપોદ્રા વિસ્તારમાં ગૌશાળાના ચારાના નામે લોકો પાસેથી પૈસા પડાવી છેતરપિંડી પણ આચરી હતી. છેતરપિંડી આચર્યા બાદ આરોપી ફરિયાદીને સોશિયલ મીડિયાના માધ્યમથી ગાળો આપી પરિવારને જાનથી મારી નાખવાની ધમકી પણ આપતો હતો. આ મામલે ફરિયાદીએ કાપોદ્રા પોલીસ મથકે 21 ફેબ્રુઆરીના રોજ આરોપી વિરુદ્ધ અરજી કરી હતી. આરોપી રામજી ચોપડાએ યુવતીઓના નામ અને મોબાઈલ નંબર મેળવી યુવતીઓને વ્હોટ્સએપ ગ્રુપ બનાવી યુવતીઓને એડ કરી અભદ્ર ચેટિંગ કરતો હતો. એટલું જ નહીં, વ્હોટ્સએપ પર વિડિયો મોકલી હેરાન-પરેશાન કરતો હતો. આરોપીથી હેરાન પરેશાન થયેલ યુવતીઓ સહિત મહિલાઓ અને પુરુષો મોટી સંખ્યામાં કાપોદ્રા પોલીસ મથકે પહોંચી આરોપીને પકડી પાડવા માંગ કરી હતી. હાલ તો સમગ્ર ઘટનાને લઇ કાપોદ્રા પોલીસે રામજી ચોપડા વિરુદ્ધ ગુનો નોંધી તેને ઝડપી લેવા કવાયત હાથ ધરી છે.