Connect Gujarat
સુરત 

સુરત : ડુપ્લીકેટ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, બોલાવ GIDCમાંથી રૂ. 6 લાખનો મુદ્દમાલ જપ્ત...

જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે.

X

સુરત જિલ્લામાંથી ફરીવાર ડુપ્લીકેટ ઘી બનાવતી ફેકટરીનો પર્દાફાશ થયો છે. કીમ પોલીસે બોલાવ GIDCમાં દરોડા પાડી યશુદ્ધ દેશી ઘીના નામે બનાવટી ઘીનો જથ્થો મળી રૂ. 6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરત જિલ્લામાંથી ક્યારેક બ્રાન્ડેડના નામે ડુપ્લીકેટ દારૂ તો ડુપ્લીકેટ મસાલા તો પછી ક્યારેક ડુપ્લીકેટ ઘી બનાવતું કારખાનું અથવા ગોડાઉન ઝડપાતા રહે છે. કેટલાક બેનંબરીયાઓ પૈસા વધુ કમાવવાની લાલચમાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા હોય છે. જોકે, આ બેનંબરિયાઓની મેલી મુરાદ વધુ ટકી નથી શકતી. કારણ કે, પોલીસ આવા લોકોને ઝડપી પાડતી હોય છે. આ દ્રશ્ય સુરતના ઓલપાડ તાલુકામાં આવેલ બોલાવ જીઆઈડીસીના છે, જ્યાં કીમ પોલિસે બાતમીના છાપો મારતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. સ્થળ પર મોટા પ્રમાણમાં મુદ્દામાલ મળી આવ્યો હતો. ફેક્ટરીની અંદરથી મસમોટી 2 ટાંકીઓ મળી આવી હતી. એક ટાંકીમાં ઘી તેમજ બીજી ટાંકીમાં પામોલિન ઘી મળી આવ્યું હતું. જેમાં ડાલડા ધી, વનસ્પતિ ઓઇલ, સોયાબિન ઓઇલ અને કલરનું મિશ્રણ કરી ઘી બનાવવામાં આવતું હતું. જોકે, વિવિધ મિશ્રણ સાથે રિફાઇન કર્યા બાદ એ ઘીને નાનેથી લઈને મોટા ડબ્બામાં પેકિંગ કરવામાં આવતું હતું. જે બોટલો પર સારાંશ ગાયનું શુદ્ધ ઘી, અનમોલ રતન શુદ્ધ ઘી જેવા સ્ટીકરો પણ લગાડવામાં આવતા હતા. અત્રે મહત્વનું છે કે, માત્ર નાની-મોટી બોટલોમાં નહીં, પરંતુ નાના નાના પાઉંચમાં પણ ઘીનું વેચાણ કરાતું હતું. કીમ પોલીસે સમગ્ર મામલે ફૂડ એન્ડ ડ્રગ વિભાગને જાણ કરતાં અધિકારીઓ સ્થળ પર પહોંચી ઘીના સેમ્પલોને FSLમાં પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા. કીમ પોલીસે ઘટના સ્થળેથી હજારોની સંખ્યામાં ઘીના નાના મોટા ડબ્બાઓ જપ્ત કર્યા હતા. તેમજ 700 જેટલા પાઉંચ, તેલના ડબ્બા, ઓઈલના ડબ્બા, મશીનરી સહિત રૂ. 6 લાખથી વધુનો મુદ્દમાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ ફેકટરી માલિક કામરેજના અંકિત રાજેશ મોદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Next Story