કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સુરતમાં ભાજપની જનસભા સંબોધી હતી અને તેમના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહાર કર્યા હતા.
ચૂંટણી પ્રચાર માટે સુરત આવેલા કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ વરાછાના સરદાર સ્મૃતિભવન નજીક જાહેર સભા સંબોધી હતી. જેમાં વિનાશક પૂર અને કોરોના કાળમાં પણ પ્રજા વચ્ચે ઊભા રહી મોદી સરકારે કરેલી કામગીરીઓ રજૂ કરીને કોંગ્રેસ પર આકરાં પ્રહાર કર્યાં હતાં. આ સાથે જ આપ પાર્ટીને ટાંકી કહ્યું કે, ગુજરાતને બદનામ કરનાર દિલ્લીવાળાઓ હવે ગુજરાતની સમૃદ્ધતા અને છલોછલ તિજોરી જોઇ ચૂંટણીમાં ઝંપલાવી રહ્યાં છે તેમને ગુજરાતની, મારી કે તમારી પડી નથી. સભામાં રૂપાલાએ નર્મદા ડેમ પર દરવાજા મુકવાની મંજૂરીમાં થયેલા વિલંબને પણ યાદ કરી તે વખતે કેન્દ્રની કોંગ્રેસ સરકારે ગુજરાત સાથે અન્યાયી વલણ કર્યાનાં આક્ષેપ પણ કર્યાં હતાં.
કેન્દ્રિય મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ સભામાં ઉપસ્થિતોને સંબોધન કરતાં જણાવ્યું કે, આ વખતની ચૂંટણીને સામાન્ય ન ગણતા એક પાર્ટી દિલ્હીથી આવી અહિં સરકાર બનાવવાના સપના જુએ છે. જે ગુજરાતને બદનામ કરવાનું તેમજ વડાપ્રધાનને ગાળો દેવાની તક છોડતી નથી. રૂપાલાએ કહ્યું કે, સુરતમાં આવેલા વિનાશક પૂર વખતે 20 દિવસ સુરતમાં રોકાયો હતો. રાત્રીના 2 વાગે પણ તત્કાલીન મુખ્યમંત્રી મોદીને ઘંુટણ સુધી પાયચા ચઢાવી કિચડમાં અધિકારીઓને દિશા આપતા જોયા હતાં.