-
હચમચાવતી સામુહિક આપઘાતની ઘટના
-
માતાપિતા અને પુત્રએ ભર્યું અંતિમ પગલું
-
આર્થિક સંકડામણમાં પરિવારે વખ ધોળ્યું
-
પોલીસને મળી અંતિમ ચિઠ્ઠી
-
લેણદારોના ત્રાસથી આપઘાત કર્યો હોવાનો ઉલ્લેખ
સુરતમાંથી ફરી એકવાર સામૂહિક આત્મહત્યાના બનાવથી ચકચાર મચી જવા પામી છે. શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં માતા-પિતા અને 30 વર્ષીય પુત્રએ ઝેરી દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો છે.આત્મહત્યાની જાણ થતાં સોસાયટીના રહીશોએ તમામને હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં હાજર ડોક્ટરોની ટીમે તેમને મૃત જાહેર કર્યા હતા.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં આવેલા એન્ટેલિયા ફ્લેટમાં રહેતા આર્થિક સંકડામણના લીધે ભરતભાઇ સસાંગિયા (પિતા), વનિતા સસાંગિયા (માતા) અને પુત્ર હર્ષ સસાંગિયાએ ઝેરી દવા ગટગટાવીને અંતિમ પગલું ભર્યું હતું.જે અંગેની જાણ સ્થાનિક લોકોને થતા તેઓએ માતા પિતા અને પુત્રને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા,પરંતુ હોસ્પિટલના તબીબોએ પરિવારને મૃત જાહેર કર્યો હતો.
આ અંગેની જાણ થતાની સાથે પોલીસ કાફલો દોડી આવ્યો હતો,અને પોલીસ તપાસમાં ઘરમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે, જેમાં લેણદારો હેરાન કરતા હોવાથી કંટાળીને આત્મહત્યા કરી હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જાણવા મળ્યા મુજબ પુત્ર બેંક લોનનું કામ કરતો હોવાથી દેવું થતા આર્થિક સંકડામણને કારણે અંતિમ પગલું ભર્યાનું હાલમાં પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે.આ ઘટનામાં અમરોલી પોલીસે ત્રણેયના મૃતદેહો ને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને વધુ તપાસ શરૂ કરી છે.