-
શિવ શક્તિ ટેકસટાઇલમાં આગનો મામલો
-
48 કલાક બાદ કાબુમાં આવી આગ
-
કુલ 800થી વધુ દુકાનો માર્કેટમાં છે
-
450થી વધુ દુકાનો આગમાં બળીને ખાખ
-
વેપારીઓને કરોડો રૂપિયાના નુકસાનીનો અંદાજ
સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટના બેઝમેન્ટમાં મંગળવારે આગ લાગી હતી, જેમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું. ત્યારબાદ બુધવારે સવારે ફરી આગ ભભૂકી ઉઠી હતી. અને બેકાબુ આગ પાંચમાં માળ સુધી ફેલાઈ હતી.જે 48 કલાક બાદ કાબુમાં આવી છે.જોકે આગમાં 450 દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી,અને કરોડો રૂપિયાની નુક્સાનીનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.
સુરતના રિંગ રોડ વિસ્તારમાં આવેલા શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં આવેલી 800થી વધુ દુકાનો આગની ચપેટમાં આવી ગઇ હતી. જેમાં 450થી વધુ દુકાનો બળીને ખાખ થઇ ગઇ છે.ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો.બારડોલી, નવસારી, સુરત સહિતની ફાયરની ટીમો આગ ઓલવવાની કામગીરીમાં લાગી હતી.આ ઉપરાંત હજીરા, ઓએનજીસી, રિલાયન્સ, ક્રિભકો સહિત કંપનીના ફાયર વિભાગની મદદ લેવામાં આવી રહી છે. હાલ આગ પર 48 કલાક બાદ કાબુ મેળવવામાં આવ્યો હતો.
ભયાનક આગને લીધે ફાયર બ્રિગેડ પાસે પાણી પણ ખૂટી ગયું હતું, જેથી પાલિકાએ પોતાના અલગ અલગ વોટર વર્ક્સ, આજુબાજુના વિસ્તારો, હજીરા, નવસારીથી પાણીના ટેન્કરો મંગાવ્યા હતા.3500 લીટર અને 10,000 લીટરના પાણીના ટેન્કરોથી બાજુની અભિષેક માર્કેટની અંડરગ્રાઉન્ડ ટાંકીમાં પાણી ઠાલવવામાં આવ્યું હતું.
શિવ શક્તિ માર્કેટમાં સતત બીજા દિવસે લાગેલી આગ ચર્ચાનો વિષય બની ગઈ છે.કેટલાક વેપારીઓ પાલિકાની કામગીરી સામે પ્રશ્નો ઉઠાવે છે તો કેટલાક માર્કેટના સંચાલકો સામે ગંભીર આક્ષેપ કરી રહ્યા છે.
જોકે ફાયર લાશ્કરોની મહેનત આખરે રંગ લાવી હતી,અને 48 કલાક બાદ આગ કાબુમાં આવી હતી,પરંતુ 450થી વધુ દુકાનો આ આગમાં ખાખ થઇ જતા વેપારીઓને કરોડોનું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે,આગને પગલે સુરત મહાનગરપાલિકાના મેયર દક્ષેશ માવાણી,મનપાના કમિશનર શાલિની અગ્રવાલ,પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સહિતના પદાધિકારીઓ પણ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.