કતારગામમાં થયેલ યુવકની હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસ દ્વારા 2 સગીર સહિત 3 લોકોની ધરપકડ
મિત્ર દ્વારા મિત્રની હત્યા કરાય હોવાનું સામે આવ્યું
22 વર્ષીય આરોપી વિરુદ્ધ અગાઉ 9 ગુના નોંધાયા
હત્યા પાછળનું કારણ અગાઉ થયેલો ઝઘડો : પોલીસ
સુરત શહેરના કતારગામ વિસ્તારમાં આવેલા અમરોલી ચેકપોસ્ટ નજીક એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં મિત્રોએ જ મિત્રની હત્યા કરી નાખી હોવાનું સામે આવતા પોલીસે 2 સગીર સહિત 3 શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરત શહેરના અમરોલી વિસ્તારમાં 21 વર્ષીય અલ્પેશ રાજપૂત પરિવાર સાથે રહેતો હતો. અલ્પેશને તેના મિત્રો સાથે અઠવાડિયા પહેલાં બોલાચાલી અને ઝઘડો થયો હતો. જેની અદાવતમાં અમરોલી ચેકપોસ્ટ નજીક 3 મિત્રોએ મળીને પોતાના જ મિત્ર પર બોથડ પદાર્થ વડે હુમલો કર્યો હતો. જેના કારણે યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતાં જ કતારગામ પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહનો કબજો મેળવી આસપાસના લોકોની પૂછપરછ શરૂ કરી હતી. જોકે, ઝડપી તપાસના અંતે પોલીસે હત્યા કરનાર 3 શખ્સોની ગણતરીના સમયમાં જ અટકાયત કરી છે. પ્રાથમિક પૂછપરછમાં અઠવાડિયા પહેલાં થયેલી બોલાચાલી અને ઝઘડામાં આ હત્યા કરવામાં આવી હોવાની પોલીસે શક્યતાઓ વ્યક્ત કરી છે. જોકે, મિત્રો દ્વારા જ મિત્રની હત્યાના બનાવથી કતારગામ વિસ્તારમાં શોક અને સનસનાટીનો માહોલ છવાયો છે.