દિવાળીના તહેવારોમાં એસ.ટી. નિગમ દ્વારા વિશેષ સુવિધા
નાગરિકોને ખાનગી બસમાં હેરાન ન થવું પડે તેવું આયોજન
એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવાનું નક્કી કરાયું
રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા અપાય વિસ્તૃત માહિતી
લોકો ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકશે : હર્ષ સંઘવી
દિવાળીના તહેવારોમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસમાં ધક્કા ખાવા ન પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું છે, ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું જણાવ્યુ હતું.
સુરતથી સૌરાષ્ટ્ર તરફ માદરે વતન જવા માટે દિવાળી વખતે ખૂબ જ મોટા પ્રમાણમાં મુસાફરોનો ધસારો હોય છે, જેને ધ્યાનમાં રાખીને દર વર્ષની માફક આ વર્ષે પણ એસ.ટી. નિગમ દ્વારા તમામ તૈયારી પૂર્ણ કરી લેવામાં આવી હતી. આજથી સૌરાષ્ટ્ર તરફ જનારી એક્સ્ટ્રા બસોનું સંચાલન શરૂ કરી દેવાયું છે. સુરતમાં વસતા સૌરાષ્ટ્ર, પંચમહાલ, ઉત્તર ગુજરાતના મુસાફરો માટે સુરતથી આગામી 26થી 30 ઓક્ટોબર દરમ્યાન એક્સ્ટ્રા 2200 જેટલી એસ.ટી.બસો ઉપડશે, ત્યારે ખાનગી બસ ચાલકોને લઈને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ નિવેદન આપતા જણાવ્યુ હતું કે, આજથી દોઢ મહિના પહેલા જ આ બાબતે બેઠક યોજાય હતી. જેમાં રાજ્યના નાગરિકોને ખાનગી બસોમાં ન જવું પડે તે માટે એસ.ટી. નિગમ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવાનું નક્કી કરવામાં આવ્યું હતું. લોકો પોતાના ઘરે બેસીને એસ.ટી. બસનું બુકિંગ કરી શકે તે પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહીં, લોકો આખી બસ બુકિંગ કરે તો તેઓને ગુજરાત એસ.ટી.ની બસો તેમના ઘર આંગણે લેવા જાય અને તેમના વતન સુધી તેમને પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાનગી બસોના ભાડાને લઈને આ વખતે દોઢ મહિના પહેલા જ આ બાબતે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પત્રકાર પરિષદમાં તમામ માહિતી આપવામાં આવી હતી.