/connect-gujarat/media/post_banners/8ce045140ecf2b83c3412fa86641095c3d4ed27ef9e0a40f09940ac038fbab53.jpg)
દિવાળીનો પર્વ નજીક આવી રહ્યો છે, ત્યારે ડાયમંડ સિટીમાં તસ્કર ટોળકીઓ સક્રિય બની છે. સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં એક ATM મશીનમાંથી લાખો રૂપિયાની ચોરી થઈ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે, ત્યારે હાલ તો પાંડેસરા પોલીસ દ્વારા સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલ SBI બેન્કનું ATM મશીન તસ્કરોના નિશાને ચઢ્યું હતું. તસ્કરોએ ATM મશીનને ગેસ કટરથી કાપી તેમાં રહેલ લગભગ 31 લાખ જેટલી રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. જોકે, એક દિવસ અગાઉ SBIના ATMમાં 35 લાખ રૂપિયા બેન્ક દ્વારા જમા કરવામાં આવ્યા હતા. ત્યારબાદ બીજા દિવસે જ 31 લાખ રૂપિયાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ જતાં ચકચાર મચી છે.
સમગ્ર બનાવની જાણ થતાં જ પાંડેસરા પોલીસ મથકનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે તપાસ કરતાં તસ્કરોએ ATMના CCTV કેમેરા પર સ્પ્રે મારી પોતાની ઓળખ છુપાવી ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાનું જણાયું હતું, ત્યારે હાલ તો પાંડેસરા પોલીસે તપાસ અર્થે SBI મુંબઈ બ્રાંચના સર્વરમાંથી CCTV ફૂટેજ મંગાવી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, દિવાળીના તહેવારો દરમ્યાન શહેરમાં લાખો રૂપિયાની ચોરી થતાં પોલીસ પેટ્રોલિંગની કામગીરી ઉપર પણ અનેક સવાલો ઉભા થયા છે.