સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા બહેનપણી પરીક્ષા ખંડની બારી પર ઊભા ઊભા બુકમાંથી જવાબ લખાવતા પકડાઈ ગઇ હતી.
છેલ્લા બે વર્ષથી પરીક્ષામાં ગેરરીતિની સંખ્યામાં વધારો થતો જોવા મળી રહ્યો છે. ત્યારે સુરતની વીર નર્મદ યુનિવર્સિટીની બીકોમની પરીક્ષામાં મિત્રને પાસ કરાવવા માટે તેની બહેનપણી પરીક્ષા ખંડની બારી પાસે ચોપડી લઈને ઊભી ઊભી ચોપડીમાંથી જવાબ લખાવતાં પકડાઈ હતી. આખી બાબત કેમેરામાં કેદ થતાં યુનિવર્સિટીએ ગેરરીતિનો કેસ નોંધી તપાસ હાથ ધરી છે. બીકોમ સેમ-5ની મુખ્ય પરીક્ષામાં આ ઘટના બની હતી જેમાં સુપરવાઇઝરે બંનેને પકડી પાડ્યા હતા. જોકે, બંને જણા ગેરરીતિ કબૂલતા ન હોવાથી સુપ્રિટેન્ડન્ટે કેમેરા તપાસ્યા તો ગેરરીતિ કરતા દેખાયા હતા. જેથી કેમેરાના આધારે ગેરરીતિનો કેસ નોંધ્યો હતો. બંનેને સજા આપવા માટે યુનિવર્સિટીએ બોલાવ્યા હતા. પરંતુ તેઓ હજાર રહ્યા ન હતા, જેથી યુનિવર્સિટીએ હવે નવી તારીખ આપી છે અને તે તારીખે તે બંને હાજર નહીં રહેશે તો યુનિવર્સિટી મુખ્ય વિદ્યાર્થીનું રિઝલ્ટ કેન્સલ કરી દેશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વીર નર્મદ યુનિવર્સિટીએ મુખ્ય જાહેર પરીક્ષાઓમાં ગેરરીતિ કરતા 400 વિદ્યાર્થીઓને હિયરિંગ પર બોલાવ્યા હતા, જેમાંથી માત્ર 250 વિદ્યાર્થીઓ જ હાજર રહ્યા હતા, જ્યારે 150 વિદ્યાર્થીઓ જવાબ આપવા માટે આવ્યા ન હતા.