બેકાર રત્નકલાકારોનો સાયબર ફ્રોડ
પિતા-પુત્ર બન્યા ઇન્ટરનેશનલ હેન્ડલર
આવાસના ફ્લેટમાંથી પ્રવીણ ધંધાલની ધરપકડ
155 બેંક ખાતાની કીટ રૂમમાંથી મળી આવી
આરોપીના પાંચ દિવસના રિમાન્ડ મંજૂર
સુરત સાયબર સેલે બેકાર બનેલા રત્નકલાકાર ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર પિતા પુત્રના સાયબર ક્રાઇમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.અને પિતાની ધરપકડ કરીને કોર્ટમાં રજુ કરી પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.
સુરતમાં રત્નકલાકાર બેકાર બનેલા પિતા-પુત્રની જોડી ઇન્ટરનેશનલ સાયબર ફ્રોડના મુખ્ય હેન્ડલર બની જશે તેવો કોઈને ખ્યાલ પણ નહોતો. સુરત સાયબર સેલે એક મોટી સફળતા મેળવીને આ બેકાર રત્નકલાકાર પિતા-પુત્ર દ્વારા ચલાવવામાં આવતા 45.92 કરોડના સાયબર ક્રાઈમ રેકેટનો પર્દાફાશ કર્યો છે.
બોટાદના રહેવાસી પ્રવીણ ધાંધલ સુરતના હીરા ઉદ્યોગમાં રત્નકલાકાર તરીકે કામ કરતા હતા. બે વર્ષ પહેલાં જ તેમની નોકરી છૂટી ગઈ હતી. ત્યાર બાદ તેમના પુત્ર ચંદ્રરાજની પણ નોકરી જતી રહી હતી. આ બેકારીના સમયમાં બંનેએ ઓનલાઈન સટ્ટો રમવાનું શરૂ કર્યું હતું. આ જ દરમિયાન તેમની ઓળખ દુબઇમાં બેઠેલા સાયબર માફિયા વિપુલ ઉર્ફે અંકિત નામના શખ્સ સાથે થઈ હતી. વિપુલે પ્રવીણને એક વોટ્સએપ ગ્રુપમાં એડ કર્યો જેમાં 'કોબરા' અને 'વિક્ટર' જેવા ડમી નામ વાપરતા અન્ય આરોપીઓ પણ હતા. આ રીતે બેકાર બનેલા રત્નકલાકાર પિતા-પુત્રની જોડી સાયબર ક્રાઇનના આંતરરાષ્ટ્રીય નેટવર્કમાં જોડાઈ ગઈ હતી.
કોસાડ આવાસમાં એક સામાન્ય 10X12 ફૂટના મકાનમાં છુપાવેલા કાપડના પોટલામાંથી બેંક કીટનો જંગી જથ્થો મળી આવતા સુરત સાયબર સેલ સ્તબ્ધ થઈ ગયું હતું. આ પોટલામાંથી માત્ર બેંક એકાઉન્ટ કીટ જ નહીં, પરંતુ સાયબર ફ્રોડ માટે વપરાતા અન્ય અત્યાધુનિક સાધનો પણ મળી આવ્યા હતા, જેમાં QR કોડ્સ, ડેબિટ અને ક્રેડિટ કાર્ડ સ્વાઇપ કરવાનું મશીન અને ચેકબુકોનો મોટો જથ્થો પણ મળી આવ્યો હતો. જે દર્શાવે છે કે, નાનકડા મકાનમાંથી આંતરરાજ્ય સ્તરનું મોટું રેકેટ ચલાવવામાં આવી રહ્યું હતું.હાલમાં સાયબર સેલે પિતા પ્રવીણની ધરપકડ કરી છે,અને કોર્ટમાં રજુ કરીને પાંચ દિવસના રિમાન્ડ મેળવ્યા છે,જ્યારે તેના પુત્ર સહિત અન્ય આરોપીઓની ધરપકડ માટેના ચક્રો ગતિમાન કર્યા છે.