નકલી ચલણી નોટ છાપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો
સરથાણાના યોગી ચોકમાંથી મિની કારખાનું ઝડપાયું
નકલી ચલણી નોટ છાપતાં 3 ઇસમોની ધરપકડ કરાય
ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર સહિતનો મુદ્દામાલ જપ્ત
રેકેટમાં વધુ નામ બહાર આવે તેવી શક્યતા : પોલીસ
સુરત શહેરમાંથી ફરી એકવાર નકલી ચલણી નોટ છાપવાના મિની કારખાનાનો પોલીસે પર્દાફાશ કર્યો છે. સુરત એસ.ઓ.જી પોલીસે સરથાણાના યોગી ચોક વિસ્તારમાંથી નકલી ચલણી નોટ છાપતાં 3 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત શહેર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, સરથાણા વિસ્તારમાં આવેલા યોગીચોક ખાતે એપલ સ્ક્વેરમાં આવેલી એક ઓફિસમાં નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી છે. જેના આધારે એસઓજી પોલીસે એપલ સ્ક્વેર શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી 406 નંબરની ઓનલાઇન કાપડ વેચાણની ઓફિસમાં દરોડા પાડ્યા હતા. ઓફિસમાંથી 3 જેટલા ઈસમો મળી આવ્યા હતા. પોલીસ દ્વારા ઓફિસમાં તપાસ કરવામાં આવતા કમ્પ્યુટરમાં જ નકલી ચલણી નોટો બનાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું હતું. આ સાથે જ કોમ્પ્યુટર, પ્રિન્ટર, એક લાખની નકલી ચલણી નોટો સાથે રાહુલ, ભાવેશ અને પવન નામના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવી છે. ભાવેશ નકલી નોટ છાપતો હતો, તો પવન અને રાહુલ નોટોની ડિલિવરી લેવા આવ્યા હતા. એસઓજી પોલીસે સ્થળ પરથી 1 લાખની ફેક કરન્સી, કોમ્પ્યુટર, પ્રિન્ટર, મોબાઇલ વગેરે મળી 2 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ ત્રણેય ઈસમો દ્વારા માત્ર 100 રૂપિયાની નકલી નોટો બનાવવામાં આવી રહી હતી. નકલી ચલણી નોટ છાપવાનું ક્યાંથી શીખ્યા, ક્યારથી છાપી રહ્યા હતા, અત્યાર સુધીમાં કેટલી નકલી નોટ છાપી, અને ભેજાબાજોએ નકલી નોટ માર્કેટમાં ફરતી કરી દીધી છે કે કેમ? તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. જોકે, આ રેકેટમાં વધુ આરોપીઓના નામ બહાર આવે તેવી પણ પોલીસ દ્વારા શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.