સુરતમાં મચ્છર અને પાણીજન્ય રોગમાં વધારો
નવી સિવિલ હોસ્પિટલ બાળ દર્દીઓથી ઉભરાઈ
ડેન્ગ્યુના બાળ દર્દીઓમાં થયો ચિંતાજનક વધારો
એક બેડ પર બે દર્દીઓને આપવામાં આવી સારવાર
બાળ દર્દીઓમાં 25 ટકા અને OPDમાં 50 ટકા દર્દી વધ્યા
સુરત શહેરમાં મચ્છર અને પાણીજન્ય રોગચાળો વકરતાં હોસ્પિટલોમાં દર્દીઓનો ધસારો વધી ગયો છે. ખાસ કરીને નવી સિવિલમાં બાળકોનો વોર્ડ દર્દીઓથી ઉભરાઈ જતા એક બેડ પર બે બાળ દર્દીઓને દાખલ કરવાની સ્થિતિ સર્જાઈ છે.
સુરત શહેરમાં વરસાદ બાદ મચ્છર અને પાણીજન્ય રોગે માથું ઉંચકતા ફફડાટ વ્યાપી ગયો છે. નવી સિવિલ હોસ્પિટલના સ્ટેમસેલ બિલ્ડિંગમાં 7મા અને 8મા માળે બાળકોના વોર્ડમાં બાળ દર્દીઓની સંખ્યા 25 ટકા જેટલી વધી જતા એક બેડ પર બે બાળ દર્દી દાખલ કરાયા છે.બાળ દર્દીઓમાં ફ્લૂ અને ડેન્ગ્યુના દર્દી વધુ છે.
ડેન્ગ્યુના બાળ દર્દીઓમાં પણ વધારો જોવા મળ્યો છે.ફલૂ અને ડેન્ગ્યુના બાળ દર્દીઓ 25 ટકા વધ્યા છે,અને હોસ્પિટલની OPDમાં 50 ટકા દર્દીઓનો વધારો જોવા મળી રહ્યો છે.જેમાં રોજ બાળકોના 280થી 300 OPD નોંધાઈ રહ્યા છે.જેમાંથી 50થી 80 બાળકોને એડમિટ કરવામાં આવી રહ્યા છે.
સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રીક વિભાગના ડો. જીગીશા પાટડિયાએ જણાવ્યું કે, હવામાનમાં બદલાવ આવવાના કારણે વાયરલ ઈન્ફેક્શન તેમજ ડેન્ગ્યુ-મેલેરિયાના બાળ દર્દીઓ વધી ગયા છે.180થી 200 ઓપીડી સામે હાલ 250થી 300 થઈ ગઈ છે. 200ની ક્ષમતા સામે હાલ 250 બાળકો દાખલ હોવાથી ઘણા બેડ પર બે બાળ દર્દીને સારવાર આપવી પડે છે.