Connect Gujarat
સુરત 

સુરત : ટેકસટાઇલ મંત્રીના શહેરમાં જ વેપારીઓમાં આક્રોશ, કાપડની 70 હજાર દુકાનો બંધ

X

કેન્દ્ર સરકારના ટેકસટાઇલ વિભાગના રાજયકક્ષાના મંત્રી દર્શના જરદોશના શહેર સુરતમાં જ ટેકસટાઇલના વેપારીઓમાં ભારે રોષ જોવા મળી રહયો છે. જીએસટીમાં કરાયેલા વધારાના વિરોધમાં શહેરમાં કાપડની 70 હજાર કરતાં વધારે દુકાનો બંધ રહી .

તારીખ પહેલી જાન્યુઆરીથી કાપડ ઉદ્યોગની વેલ્યુચેઇન પર 12 ટકાના જીએસટી દરના વિરોધમાં સુરતના ટેકસટાઇલ વેપારીઓમાં ભારે રોષ ફેલાયો છે. આજે શહેરની તમામ 170 કાપડ માર્કેટની 70 હજારથી વધુ દુકાનો બંધ રાખી વેપારીઓએ તેમની એકતા બતાવી હતી. અગાઉ જીએસટી 5 ટકા લેવાતો હતો તે વધારીને સીધો 12 ટકા કરી દેવાયો છે. વેપારીઓએ આ બાબતે મંત્રી દર્શના જરદોશ અને ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલને પણ રજુઆત કરી છે પણ હજી સરકાર નિર્ણય લઇ શકી નથી. સુરતની વાત કરવામાં આવે તો સમગ્ર દેશમાં સુરત કાપડનગરી તરીકે જાણીતું છે. ટેકસટાઇલ ઉદ્યોગ સાથે લાખો લોકો સંકળાયેલાં છે પણ અચાનક જીએસટીમાં વધારો કરી દેવાતાં રોષ ફેલાયો છે.જેને ધ્યાનમાં રાખીને આજે માર્કેટ જડબેસલાક બંધ રાખવામાં આવ્યું છે. વેપારીઓએ રોષપૂર્વક દુકાનો બંધ રાખી છે. ટેક્સટાઈલ માર્કેટ સાથે સંકળાયેલી વિવિધ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યા પર વિરોધના કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા છે.

Next Story