પર્વત પાટિયા વિસ્તારમાં બની ગંભીર ઘટના
રૂદમણી સોસાયટીમાં 7 વર્ષના બાળક પર શ્વાનનો હુમલો
પાલતુ શ્વાન જર્મન સેફર્ડે કર્યો બાળક પર હુમલો
ઈજાગ્રસ્ત બાળકે હોસ્પિટલમાં લીધી સારવાર
પોલીસ સહિતના વિભાગોમાં કરવામાં આવી ફરિયાદ
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાને 7 વર્ષના બાળક પર હુમલો કરી તેને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો.બાળકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યો હતો.ઘટનાને પગલે સોસાયટીના રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રૂદમણી સોસાયટીમાં એક પાલતુ શ્વાન જર્મન સેફર્ડે 7 વર્ષના બાળક પર હુમલો કર્યો હોવાની ઘટનાને પગલે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. બાળક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.બાળકના પરિવારે આ હુમલા માટે સીધો આક્ષેપ પાલતુ શ્વાનના માલિક પર કર્યો છે કે, તેમના દ્વારા જ શ્વાનને હુમલો કરવા માટે ઉશ્કેરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ પરિવારે માત્ર પોલીસમાં જ નહીં પણ પાલિકા કમિશનરને પણ લેખિતમાં ફરિયાદ કરી હતી.આ સાથે જ શ્વાનના માલિક તરફથી ધમકીઓ મળી હોવાના પણ ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
પીડિત બાળકના પરિવારે આ સમગ્ર મામલે પુણા પોલીસ સ્ટેશન, પાલિકા કમિશનર અને પાલિકાના આરોગ્ય અધિકારીને લેખિત અરજી કરી છે. પરિવારે પોલીસ સ્ટેશન પહોંચીને તાત્કાલિક કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.