Connect Gujarat
સુરત 

સુરત: પુણા પોલીસ સ્ટેશનના PSI જયદિપસિંહ રાજપુત રૂ.1.30 લાખની લાંચ લેતા ઝડપાયા,દારૂના કેસમાં માંગી હતી લાંચ

સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી

X

સુરતના પુણા પોલીસે દારૂના કેસમાં ફીટ નહીં કરવા માટે એક વ્યક્તિ પાસે રૂપિયા 5 લાખની લાંચની માંગણી PSIએ કરી હતી અને 3 લાખમાં આ લાંચની રકમ નક્કી થયા બાદ 1,70 લાખ લઈ લીધા હતાં ત્યારબાદ બીજા દિવસે 1.30 લાખ લેવા જતા ફરિયાદીએ ACBમાં ફરિયાદ કરતા PSI ને વચેટીયો લાંચ લેતા પકડાયા હોવાની ઘટના સામે આવતા સુરત પોલીસબેડામાં ખળભળાટ મચી જવા પામ્યો છે.

ગુજરાતમાં લઠ્ઠાકાંડની ઘટના સામે આવ્યા બાદ પોલીસ દ્વારા સતત દારૂ પકડવામાં આવી રહ્યો છે ત્યારે પોલીસ આ દારૂ તો પકડે છે સાથે સાથે દારૂ સાથે પકડાયેલા લોકોના લાંચ પેટે મોટા તોડ કરતા હોવાની પણ સતત ફરિયાદો સામે આવતી હોય છે ત્યારે આવી જ એક ઘટનામાં સુરત પોલીસનો એક PSI મોટી લાખની રકમ લેતા ગતરોજ ACBના હાથે ઝડપાઈ ગયો હતો. સુરતના પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે દિવસ પહેલા રાજસ્થાનથી આવતી એક લક્ઝરીના ચોર ખાનામાં ચાર લાખ રૂપિયાનો દારૂ મળી આવ્યો હતો.

આ કેસમાં લક્ઝરી બસના દારૂ કેસમાં બસ માલિકને ફીટ નહીં કરવા માટે પુણા પોલીસ સ્ટેશનના PSI જયદીપસિંહ રાજપુત દ્વારા બસના માલિક પાસેથી લાંચ પેટે 5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. જોકે લક્ઝરી બસના માલિક અને PSI વચ્ચેનો મામલો 3 લાખ રૂપિયામાં સેટલ કરવામાં આવ્યો હતો. જેમાં પ્રથમ દિવસે PSI દ્વારા રૂ.1.70 લાખ રૂપિયા લઈ લીધા હતા. જો કે ખોટી રીતે બસ માલિકને હેરાન કરતા હોવાને લઈને બસ માલિકે PSI વિરુદ્ધ સુરતમાં ફરિયાદ નોંધાવી હતી જેના આધારે બીજે દિવસે રૂ.1.30 લાખ આપવા સમયે PSI જયદીપસિંહ રાજપુતે ખાનગી વ્યક્તિ જીયાઉદ્દીન સૈયદ ઉર્ફે જીવાને મોકલ્યો હતો.આ ઈસમે પૈસા સ્વીકાર્યા હતા ત્યારબાદ ACBએ આ ઇસમને લાંચ લેતા રંગે હાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે વચેટીયા અને PSIની ધરપકડ કરી હતી.PSI અને વચેટીયાની ધરપકડ કરી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી સાથે PSIની અપ્રમાણ સમય મિલકતની તપાસનો ધમધમાટ પણ સુરત ACB દ્વારા શરૂ કરવામાં આવ્યો છે.

Next Story