સુરત શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે, ત્યારે અડાજણ વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે. આ સાથે જ જાહેર સ્થળોએ આવતા લોકો માટે વેક્સિનના બન્ને ડોઝ ફરજિયાત કરવામાં આવ્યા છે.
સુરત શહેરમાં જાણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરની એન્ટ્રી થઈ ગઈ હોય તેમ એક બાદ એક પોઝિટિવ કેસની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, ત્યારે વધાત જતાં કોરોનાના કેસ સામે મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હરકતમાં આવી સઘન કામગીરીમાં જોતરાય ગયું છે. અડાજણ વિસ્તારની સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ પોઝિટિવ આવતા તંત્રની ચિંતા વધી છે. સમગ્ર મામલે મનપા દ્વારા 120 જેટલા વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જોકે, હાલ સંસ્કાર ભારતી અને રિવારડેલ સ્કૂલને આગામી 7 દિવસ સુધી બંધ રાખવા માટે આરોગ્ય વિભાગે નિર્ણય લીધો છે.
જોકે, ટ્રાવેલ હિસ્ટ્રી ન હોય તેવા લોકો પણ કોરોના પોઝિટિવ આવતા તંત્રની ચિંતામાં વધારો થયો છે. આ સાથે જ વેક્સિનના બન્ને ડોઝ લીધા હોય તેઓ સર્ટિફિકેટ ફરજિયાત લઈ જાહેર સ્થળો હોય કે, લગ્નની વાડી, પાર્ટી પ્લોટ અને હોટલ-રેસ્ટોરન્ટમાં પ્રવેશ કરવા આરોગ્ય વિભાગે આદેશ આપ્યા છે. કોરોના સંક્રમણ અટકાવવા મનપા દ્વારા વિવિધ ઝોનમાં આવેલ વાડી, પાર્ટી પ્લોટ, હોટલ અને રેસ્ટોરન્ટના માલિકો સાથે બેઠક પણ કરબવામાં આવી હતી. પરંતુ હજુ ઘણા લોકોએ બીજો ડોઝ લીધો નથી, ત્યારે આવા લોકો જો કોરોના સંક્રમણનો શિકાર બને તો મોટી સમસ્યા સર્જાય શકે છે.