/connect-gujarat/media/post_banners/a127a6c60815c5885bb04b238e33df5e55aca47a0893674f5c6bd9779860f1bf.jpg)
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના કઠોર વિસ્તારના સોની બજારમાં આવેલી સ્મિત જવેલર્સની દુકાનમાં ગત રાત્રે તસ્કર ટોળકીએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. આ કોઈ નાની ચોરી નોહતી, પણ સોના-ચાંદીના દાગીના અને રોકડ મળી 86.57 લાખની ચોરી હતી. તસ્કરો દુકાનની છતના ભાગે બાકોરું પાડી પ્રવેશ કરી ચોરીને અંજામ આપી ફરાર થઇ ગયા હતાં. જોકે, સવારે જવેલર્સ માલિક દુકાને આવ્યા ત્યારે તેઓ પણ ચોકી ગયા હતા. દુકાન માલિકે 60 કિલો ચાંદી, 72 તોલા સોનું અને 4.97 લાખ રોકડા મળી 86.57 લાખની ચોરી અંગે કામરેજ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. બનાવની જાણ થાત જ કામરેજ પોલીસ સહીત સુરત sog અને lcb પોલીસ સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
પોલીસે દુકાન તેમજ આજુબાજુના સીસીટીવી કેમેરા ચેક કરવા સાથે તસ્કરો સુધી પહોંચવા આકાશ પાતાળ એક કરી ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો. કામરેજ પોલીસે અરવિંદ બહાદુર ડીંડોવ અને માસ્ટર માઈન્ડ ગુલામ હુસેન ઉર્ફ ગુલ્લુ ઉર્ફ ઈરફાનની ધરપકડ કરી છે. જોકે, પોલીસ બન્નેની આકરી પૂછપરછ કરતા તેઓએ ચોરી કરેલો મુદ્દામાલ કઠોર ગામના બસ સ્ટેન્ડ નજીકની ઝાડીમાં છુપાવ્યો હોવાની કબૂલાત આપી હતી, ત્યારે પોલીસે આરોપીઓને સાથે રાખી ચોરેલો તમામ મુદામાલ જપ્ત કરી બન્નેને જેલ ભેગા કરી દીધા છે.