Connect Gujarat
સુરત 

સુરત : રૂ. 1.40 કરોડની 2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં પોલીસે કરી 2 શખ્સોની ધરપકડ...

2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

X

સુરત શહેર પોલીસના ઇકો સેલ દ્વારા 2 અલગ અલગ છેતરપિંડીના ગુન્હામાં 2 આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડાયમંડનું હબ ગણાતા સુરત શહેરમાં ડાયમંડના વેપારીઓ સાથે ચીટિંગના બનાવો અવારનવાર બનતા હોય છે, ત્યારે વર્ષ 2019 દરમિયાન હીરા વેપારી મોન્ટુ આઈવાલા પાસેથી રાકેશ બફલીપરા અને હીરા દલાલ વિજય વસાણીયાએ 54 લાખ રૂપિયાના હીરા વેપાર માટે લીધા હતા, અને 100 દિવસની મુદત લઈને નાણા ચુકવવાનો વાયદો કર્યો હતો.

જોકે, નાણા લેવાની પાકતી મુદતે વિજય વસાણીયા દ્વારા નાણા ચૂકવવામાં આવ્યા ન હતા, અને પોતાની ઓફિસ બંધ કરીને ફરાર થઈ ગયો હતો. આ અંગે છેલ્લા 3 વર્ષથી અટવાયેલા નાણાં પરત મેળવવા માટે સુરત શહેર પોલીસની મદદ માંગી હતી. જેમાં વરાછા પોલીસ સ્ટેશનમાં આરોપી રાકેશ અને વિજય વસાણીયા વિરોધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે સુરત શહેર પોલીસની ઇકો સેલ દ્વારા હીરા દલાલ વિજય વસાણીયાની ધરપકડ કરવામાં આવી છે.

આ કેસનો મુખ્ય આરોપી રાકેશ બફલીપરા અગાઉ 2 કરોડ રૂપિયાથી વધુની ચીટીંગમાં સુરત પોલીસના હાથે ઝડપાઈ ચૂક્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, ત્યારે હાલ તો સુરત પોલીસની ઇકો સેલે વિજય વસાણીયાની ધરપકડ કરી અન્ય આરોપી રાકેશને લાજપોર જેલમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે ધરપકડ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

તો બીજી તરફ, 20 ટકા વળતર આપવાની લાલચમાં લાખો રૂપિયા પડાવી લેનાર મુંબઈથી એક આરોપીની સુરત ઇકો સેલ પોલીસે ધરપકડ કરી છે. સુરતના રાંદેર વિસ્તારમાં આવેલ તાડવાડી બેજનવાલ કોમ્પલેક્ષમાં રહેતા 53 વર્ષીય મુકેશ પવાર અડાજણ ખાતે સફાયર બિઝનેસ હબમાં આઈ.ટી. કંપની ધરાવે છે. તેઓને મુંબઈના દાદર ઇસ્ટ સ્થિત હાજી હબીલ બિલ્ડીંગમાં ટ્રેડમ નામની શેર ટ્રેડિંગ કંપનીના 3 લોકોએ 20 ટકા ઉંચા વળતરની લાલચ આપી હતી.

મુકેશે લાલચમાં આવી શરૂઆતમાં રૂપિયા 10 લાખ અને ત્યારબાદ ટુકડે ટુકડે રૂપિયા 1.50 કરોડના રોકાણનો એમ.ઓ.યુ. કર્યો હતો, જેની સામે રૂપિયા 90.35 લાખનો રોકાણ પણ કર્યું હતું, અને વળતર પેટે રૂપિયા 10 લાખ પણ આપ્યા હતા. પરંતુ ત્યારબાદ વળતર આપવાનું બંધ થયા બાદ રાતોરાત ત્રણે ભૂગર્ભમાં ઉતરી ગયા હતા, ત્યારે આ મામલે ઇકો સેલ પોલીસે આરોપી વસંત નગરાડેને વેસુ વિસ્તારમાંથી ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Next Story