સુરત મહાનગરપાલિકાની ગંભીર બેદરકારી સામે આવી છે. પાંચ વર્ષની બાળકી ઘર નજીક રમતી હતી તે સમયે ડ્રેનેજના ઢાંકણા બાળકી પર પડ્યા હતા. એક જ પરિવારની બે બાળકી માંથી એક બાળકી બહાર નીકળી ગઈ હતી.જ્યારે બીજી બાળકીને માથાના ભાગે ગંભીર ઈજા થવા પામી હતી.પરિવાર તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જતા ફરજ પરના તબીબે બાળકીને મૃત જાહેર કરી હતી.
સુરતના ડિંડોલી વિસ્તારમાં આવેલા ચેતન નગરમાં હાલ મહાનગરપાલિકા દ્વારા કામ કરવામાં આવી રહ્યું છે. ત્યારે રોડની સાઈડ પર મુકેલા ડ્રેનેજના ઢાંકણા પાસે સોસાયટીના કેટલાક બાળકો રમી રહ્યા હતા. જેમાં ઓટો રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા પરિવારની બે દીકરીઓ પણ અહીંયા રમી રહી હતી. અચાનક ઢાંકણા આ બાળકીઓ ઉપર પડ્યા હતા. જેને લઈને બે વર્ષની બાળકી નીચેથી નીકળવામાં સફળ રહી હતી.જ્યારે પાંચ વર્ષની બાળકી ભાગ્યશ્રી ને ઢાંકણાની નીચે દબાઈ જવાથી માથામાં ઇજા થવા પામી હતી.
ઘટના સ્થળના નજીક માંથી એક વ્યક્તિ પણ આ બાળકીઓની મદદ માટે દોડી આવતા તેના પગમાં પણ ઈજા થઈ હતી. ઘટનાના પગલે સ્થાનિક લોકોએ બાળકીને તાત્કાલિક પરિવારને જાણકારી આપી સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ ગયા હતા. ત્યાં ફરજ પરના તબીબે આ બાળકીને મૃત જાહેર કરી હતી. ઘટના સંદર્ભે ડિંડોલી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે.