-
સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામની ઘટના
-
2 વર્ષીય બાળક રમતા રમતા થઇ ગયો હતો ગુમ
-
બાળક નહીં મળતા પરિજનોએ કરી હતી શોધખોળ
-
બાળકનો મૃતદેહ ઘર નજીક ખાડીમાંથી મળી આવ્યો
-
સચિન GIDC પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી
સુરત શહેરના સચીન વિસ્તારમાં આવેલ તંલગપુર ગામમાં 2 વર્ષીય બાળક રમતા રમતા ગુમ થઇ ગયો હતો. જેનો મૃતદેહ ઘર નજીક ગટરની ખાડીમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, મૂળ ઓરીસ્સાના વતની અને હાલ સુરતના સચીન વિસ્તારમાં તંલગપુર ગામમાં રહેતા પરિવારનો 2 વર્ષીય પુત્ર શુભમ ગત સોમવારે સાંજે ઘર નજીક રમતો હતો. બાદમાં બાળક નહી જોવા મળતા તેના પરિવાર અને આજુ બાજુના લોકો ચિંતાતુર થઇ તેની શોધખોળ આદરી હતી. બાળકની શોધખોળ કરવા છતાં કોઈ ભાળ મળી ન હોવાથી પરિવારે પોલીસને જાણ કરી હતી.
જોકે, બાળક ન મળતા તે નજીકમાં આવેલી ગટરની ખાડીમાં પડી ગયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી હતી. જેથી ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયર ફાઇટરો તાત્કાલિક ઘટના સ્થળે પહોચી મોડી સાંજ સુધી શોધતા બાળક મળ્યો ન હતો. બાદમાં વહેલી સવારે ફાયર જવાનોએ JCB મશીનની મદદથી ખાડી પરના સિમેન્ટના ઢાંકણો ખસેડીને બાળકની શોધખોળ હાથ ધરી હતી. જેમાં મોડી સાંજે ખાડીમાંથી બાળકનો મૃતદેહ મળી આવતા પરિવારનો એકનો એક લાડકવાયો પુત્ર દુનિયામાં ન રહેતા પરિવારમાં માતમ છવાયો હતો. તો બીજી તરફ, બનાવ અંગે સચીન જીઆઈડીસી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.