એસટી આપના દ્વારે યોજનાને સાંપડ્યો જન પ્રતિસાદ
ST બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા
એક્સ્ટ્રા બસના કારણે એસટી વિભાગની તિજોરી છલકાઈ
સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ
એસટી સેવાનો અનેક મુસાફરોએ લીધો જબરદસ્ત લાભ
સુરતને કર્મભૂમિ બનાવી ચૂકેલા ગુજરાતના અલગ અલગ શહેર અને ગામડાના લોકો દિવાળીના તહેવાર નિમિત્તે વતન જતા હોય છે. આ લોકો માટે સુરત એસટી વિભાગ દ્વારા વધારાની બસો દોડાવવામાં આવતી હોય છે, ત્યારે છેલ્લા 5 દિવસથી આ બસો મારફતે હજારો લોકો પોતાના વતન પહોંચ્યા છે.
સુરત એસટી વિભાગને ચાલુ વર્ષે પણ દિવાળી ફળી છે. દિવાળી પહેલા દોડાવાયેલી સ્પેશિયલ બસને કારણે સુરત એસટી વિભાગની તિજોરી છલકાઈ ગઈ હતી. તા. 26મી ઓક્ટોબરથી 30મી ઓક્ટોબર સુધી એસટી વિભાગે 1359 બસો દોડાવી 2.56 કરોડ રૂપિયાની આવક રળી છે. સૌથી વધુ 419 ટ્રિપ ઝાલોદ અને બીજા ક્રમે 224 ટ્રિપ દાહોદની દોડાવાઈ છે, જ્યારે ગ્રૂપ બુકિંગની 292 બસ પણ દોડાવવામાં આવી હતી. ગતરોજ એક જ દિવસમાં 500થી વધુ બસ એસટી વિભાગ દ્વારા ઉપાડવામાં આવી હતી. જેમાં 41 હજારથી વધુ લોકો પોતાના વતન પહોંચ્યા હતા. છેલ્લા 5 દિવસમાં 1359 જેટલી વધુ બસ 5.17 લાખ કિમી દોડાવવાથી સુરત એસટી વિભાગને 2.56 કરોડ રૂપિયાની આવક થઈ છે. સુરત એસટી વિભાગ દ્વારા એસટી આપના દ્વારે યોજના અંતર્ગત ગ્રૂપ બુકિંગ થકી સુરતની સોસાયટીમાંથી બેસાડી વતનના ગામ સુધી મુસાફરોને પહોંચાડવાનો આરંભ કરાયો ત્યારથી અનેક મુસાફરો આ સેવાનો જબરદસ્ત લાભ લઈ રહ્યા છે.