/connect-gujarat/media/post_banners/01d8e0a6732e58624db590711cd6ad1fb165e9dd549c299c27f3e418821f1a2d.jpg)
સુરત શહેર એસ.ટી. બસ ડેપો ખાતે એસ.ટી. વિભાગના કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત વિવિધ પડતર પ્રશ્નોને લઈ પોતાનો વિરોધ દર્શાવ્યો હતો. આ સાથે જ સરકાર દ્વારા જો માંગ સંતોષવામાં નહીં આવે તો આજ રાત્રીથી ચક્કાજામ સહિત હડતાળ ઉપર જવાની પણ ચીમકી ઉચ્ચરવામાં આવી છે.
દિવાળીના તહેવાર સમયે જ રાજ્યના પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાય તો નવાઈ નહીં, કારણ કે, ગુજરાત વાહન વ્યવહાર વિભાગના કર્મચારીઓએ સરકારના વલણ સામે બાયો ચઢાવી છે. એસ.ટી. નિગમના 3 સંગઠનોએ સરકારને 30 કલાકનું અલ્ટિમેટમ આપ્યું હતું. તેમ છતાં નિગમના કર્મચારીઓના પ્રશ્નોનું નિરાકરણ નહીં આવતા 20મી ઓક્ટોબરની મધ્યરાત્રીથી જ તમામ કર્મચારીઓ હડતાળ ઉપર જવાનો નિર્ણય લીધો છે, ત્યારે સુરત શહેર એસ.ટી. બસ ડેપો ખાતે કર્મચારીઓએ સાતમા પગારપંચ સહિત વિવિધ પ્રાણપ્રશ્નોને લઈ સુત્રોચ્ચાર કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ઉપરાંત સરકાર દ્વારા વહેલી તકે માંગ સંતોષવામાં નહીં આવે તો નિગમના કર્મચારીઓએ ચક્કાજામ કરવાની પણ ચીમકી ઉચ્ચારી છે.