સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસે સર્જ્યો અકસ્માત
અકસ્માતમાં ચાર જેટલા લોકોને પહોંચી ઇજા
ચારથી વધુ બાઈકનો વળ્યો કચ્ચરઘાણ
બસ ચાલક ભાગવા જતા લોકોએ ઝડપી પાડ્યો
બસ ચાલકે બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું કર્યું રટણ
સુરતમાં સહારા દરવાજા બ્રિજ નીચે એસટી બસના ચાલકે બસને ગફલત ભરી રીતે હંકારીને અકસ્માત સર્જ્યો હતો.અને ચારથી વધુ બાઇકને અડફેટમાં લેતા ચાર લોકો ઈજાગ્રસ્ત થયા હતા.ઘટનાને પગલે ટ્રાફિકજામની સાથે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
સુરત શહેરના સહારા દરવાજા બ્રિજ નીચેના માર્ગ પરથી એક એસટી બસ પસાર થઇ રહી હતી,જોકે બસ ચાલકે બસને ગફલતભરી રીતે હંકારતા સ્ટિયરિંગ પરનો કાબુ રહ્યો નહોતો,અને બસ ચાલકે ચારથી વધુ બાઇકને અડફેટમાં લઈને અકસ્માત સર્જ્યો હતો,સર્જાયેલા માર્ગ અકસ્માતમાં ચાર લોકોને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા.
જ્યારે અકસ્માત સર્જીને બસ ચાલક ભાગવા જતા સ્થાનિક લોકોએ તેને ઝડપી લઈને પોલીસને હવાલે કરી દીધો હતો,બસ ચાલકે બસની બ્રેક ફેલ થઈ ગઈ હોવાનું રટણ કર્યું હતું,જ્યારે ભોગ બનનાર ઇજાગ્રસ્તોએ બસની સ્પીડ વધુ હોવાનો આક્ષેપ કર્યો હતો.પોલીસ દ્વારા ઘટના અંગેની તપાસ શરૂ કરવામાં આવી હતી.