શિક્ષિકાને વિદ્યાર્થીના વાલી સાથેની મિત્રતા પડી મોંઘી
બીમાર પતિની સારવારમાં મદદ કરવાના બહાને નિકટતા વધારી
સ્કૂલ મીટિંગમાં મિત્ર બનેલા વાલીનો શિક્ષિકા પર બળાત્કાર
આરોપીએ શિક્ષિકાનું કર્યું શારીરિક અને આર્થિક શોષણ
ડિંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરીને તપાસ હાથ ધરી
સુરત શહેરમાં શિક્ષિકાને બિમાર પતિની સારવારના બહાને પ્રેમજાળમાં ફસાવીને તેમનું શારીરિક અને આર્થિક શોષણ કરવામાં આવ્યું હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.આરોપીએ શિક્ષિકાનો અંગત પળોનો વીડિયો વાયરલ કરીને શિક્ષિકાને બદનામ કરી હતી.આ મામલે ડીંડોલી પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.
સુરત શહેરની શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી 46 વર્ષીય મહિલા બે સંતાનોની માતા છે. આ મહિલાનો પરિચય તેની શાળામાં અભ્યાસ કરતી બે સગી બહેનોના પિતા વિજય અર્જુન આગળે સાથે થયો હતો.શિક્ષિકાના પતિને ટીબીની બિમારી હોવાનું જાણીને વિજયે તેમની સાથે સંબંધ વધાર્યો હતો.
તેણે પતિની સારવારમાં મદદ કરવાનું બહાનું આપીને શિક્ષિકાનો મોબાઇલ નંબર મેળવ્યો અને તેની સાથે વાતચીત શરૂ કરી હતી. ધીમે-ધીમે તેમની મિત્રતા પ્રેમસંબંધમાં પરિણમી હતી. વિજયે શિક્ષિકા સાથે શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ દરમિયાન, તેણે ગુપ્ત રીતે તેમના અંગત પળોનો વીડિયો ઉતારી લીધો હતો.
જ્યારે શિક્ષિકાએ આ સંબંધનો અંત લાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે વિજયે તેમને તે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપીને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું.આ ઘટનાઓ ચાલી રહી હતી.ત્યારે ડિસેમ્બર 2024માં શિક્ષિકાના પતિનું અવસાન થયું હતું. પતિના મૃત્યુ બાદ વિજયે શિક્ષિકાના ઘરે જઈને પણ બળજબરીથી શારીરિક સંબંધ બાંધ્યા હતા.
શારીરિક શોષણ ઉપરાંત, વિજયે શિક્ષિકાનું આર્થિક શોષણ પણ કર્યું હતું. જ્યારે શિક્ષિકાએ ઘર ખરીદવાની વાત કરી, ત્યારે વિજયે તેમને કહ્યું કે, તેમના નામે લોન નહીં મળે, તેથી તે પોતાના નામે મકાન લઈ આપશે, અને વિશ્વાસમાં આવીને શિક્ષિકાએ તેને રૂપિયા 5 લાખ આપ્યા હતા.જોકે વિજયે શિક્ષિકા સાથે ગાળાગાળી કરવાનું અને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. જ્યારે શિક્ષિકાએ ફરીથી આ સંબંધનો અંત લાવવાનું નક્કી કર્યું, ત્યારે વિજયે તેને છરી બતાવીને તેમના બંને પુત્રો સહિત ત્રણેયને મારી નાખવાની ધમકી આપી હતી.
આ ઉપરાંત, તેણે શિક્ષિકાનો અંગત વીડિયો વોટ્સએપ સ્ટેટસમાં મૂકીને તેને બદનામ કર્યા હતા. આખરે, ત્રાસથી કંટાળીને શિક્ષિકાએ ડીંડોલી પોલીસ સ્ટેશનમાં વિજય વિરુદ્ધ શારીરિક અને આર્થિક શોષણ તેમજ બ્લેકમેલિંગની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી વિજયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી હતી.