-
મહાશિવરાત્રી નિમિત્તે ઘીના કમળની સેવા
-
જરીવાલા પરિવાર 45 વર્ષથી બનાવે છે ઘીના કમળ
-
શિવની ભક્તિ માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવે છે
-
શિવરાત્રીના 15 દિવસ અગાઉથી બનાવવામાં આવે છે ઘીના કમળ
-
શહેરના 25 જેટલા મંદરીમાં ઘીના કમળ કરાય છે અર્પણ
સુરતમાં પ્રકાશ જરીવાલા અને તેમનો પરિવાર છેલ્લા 45 વર્ષથી નિસ્વાર્થ ભાવે અનોખી રીતે ભગવાન શિવની ભક્તિ કરે છે.જેમાં તેઓ શુદ્ધ ઘી માંથી કલાત્મક કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે. આ કલાત્મક કમળ શિવરાત્રીના રોજ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે. આ પરિવાર ભગવાન શિવની ભક્તિ કરવા માટે નિસ્વાર્થ ભાવે કલાત્મક ઘીના કમળ બનાવવાની કામગીરી કરી રહ્યો છે.
સુરતના સલાબતપુરા વિસ્તારમાં રહેતા પ્રકાશ જરીવાલા પોતાના પરિવાર સાથે 45 વર્ષથી ભગવાન શિવને ચઢાવવામાં આવતા ઘીના કમળ બનાવવાનું કામ નિસ્વાર્થ ભાવે કરે છે. પ્રકાશ બે પ્રકારના ઘીના કમળ પોતાના પરિવારના સભ્યો અને મિત્રો સાથે મળીને તૈયાર કરે છે.જેમાં એક કમળ કે જે શિવલિંગ પર અર્પણ કરવામાં આવે છે અને બીજા કમળ કે જેના પર ભગવાન શિવની પ્રતિકૃતિ તૈયાર કરવામાં આવે છે અને આ બંને કમળ ભગવાન શિવને મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.
પ્રકાશ જરીવાલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, તેઓ પોતાના ઘરના આઠ સભ્યો તેમજ સ્થાનિક મિત્રો અને આજુબાજુના ઘરમાં રહેતા લોકોની મદદથી શિવરાત્રીના 15 દિવસ પહેલા જ ઘીના કમળ બનાવવાની તૈયારી શરૂ કરી દે છે. સુરતના 20થી 25 જેટલા મંદિર માટે એક પણ રૂપિયો લીધા વગર ઘીના કમળ તૈયાર કરવાની સેવા આપે છે.
મહત્વની વાત છે કે પ્રકાશ જરીવાલાના આસપાસના ઘરોમાં રહેતી યુવતીઓ પણ આ સેવાકીય કાર્યમાં પોતાનું યોગદાન આપવા માટે આવે છે અને આ યુવતીઓએ પણ વર્ષોની મહેનતથી ઘી પર કલાત્મક પ્રતિકૃતિ તૈયાર કરવાનું શીખી લીધું છે અને રોજ રાત્રે પ્રકાશ જરીવાલા તેમના પરિવારના સભ્યો મિત્રો તેમજ આસપાસના રહેવાસીઓને સાથે મળીને ઘીના કમળ તૈયાર કરવાની કામગીરી કરે છે અને ઘીના કમળ તૈયાર થયા બાદ તેને શહેરના અલગ અલગ મંદિરમાં અર્પણ કરવામાં આવે છે.