-
કે પી સંઘવી કંપની સામે હીરા વેપારીઓએ ચડાવી બાંયો
-
રફ હીરા ખરીદી માટે ગેરંટી પેટે વેપારીઓએ આપ્યા હતા ચેક
-
ધંધામાં નુકસાન બાદ કંપની સાથે સમાધાન કરીને નાણાં ભર્યા હતા
-
સમાધાન બાદ પણ ગેરંટી પેટે આપેલા ચેકો બેંકમાં જમા કરાવ્યા હતા
-
વેપારીઓએ ડાયમંડ એસોસિએશનની મધ્યસ્થીથી સમાધાન કર્યું હતું
-
વેપારીઓને ચેક બાઉન્સમાં થઇ છે સજા
-
વેપારીઓએ ડાયમંડ એસોસિએશન પાસે ન્યાયની કરી માંગ
સુરતમાં હીરાના વેપારીઓની કફોડી હાલત થઈ છે,આર્થિક રીતે ભીંસમાં મુકાયેલા વેપારીઓએ કે પી સંઘવી કંપની સામે બાંયો ચઢાવીને ધરણા પર બેઠા છે,કંપનીનું હીરા ખરીદીનું વેપારીઓએ ચુકવણું કર્યું હોવા છતાં ચેક બાઉન્સ કરાવીને કેસ કરવામાં આવ્યા હતા,અને વેપારીઓને જેલની સજા પણ થઈ છે.
સુરતમાં હીરાના વેપારમાં નુકસાન થયા બાદ હીરા દલાલોએ જેમની પાસેથી રફ હીરાની ખરીદી કરી હતી.તે કે.પી સંઘવી કંપનીને સમાધાન સાથે ચૂકવણુ કર્યું હોવા છતાં સિક્યુરિટી ચેક બાઉન્સ કરાવી હેરાન કરતા હોવાની હીરા વેપારીએ સુરત ડાયમંડ એસોસિએશનને ફરી રજૂઆત કરી છે. જ્યાં સુધી નિર્ણય ન આવે ત્યાં સુધી ધરણા પર બેસવાનો નિર્ણય પણ કરવામાં આવ્યો છે. હીરાના વેપારીના મતે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા જેલમાં જવાનો વારો આવ્યો છે. હાલ તો આ મામલે ડાયમંડ એસોસિએશન દ્વારા આખા કેસનો ઉકેલ લાવવા પ્રયાસ કરાઇ રહ્યા છે.
27 જેટલા વેપારીએ ધંધામાં નુકસાની કર્યા બાદ ડાયમંડ કંપનીને એડવાન્સ ચેક આપ્યા હતા અને ડાયમંડ એસોસિએશનને મધ્યસ્થી કરીને ચુકવણું કરી આપવામાં આવ્યું હતું.જોકે આ ચુકવણું થઈ ગયું હોવા છતાં ડાયમંડ કંપની દ્વારા કેસ કરવામાં આવતા વેપારીઓને જેલમાં જવાનો વારો આવ્યો હતો. પરિવારના મોભી જેલમાં હોવાના કારણે પરિવારની હાલત કફોડી બની છે. હીરા વેપારીઓએ કે.પી સંઘવી કંપની પાસેથી 10 લાખથી લઈને 1.50 કરોડ રૂપિયા સુધીની મળીને અંદાજીત 8 કરોડ રૂપિયા સુધીની રફ હીરાની ખરીદી કરી હતી. જેમાં 50થી 80 ટકા સુધી ચુકવણું કરીને નાદારી નોંધાવી હતી.
આ સમગ્ર મામલે કે.પી.સંઘવી કંપની અને વેપારીઓ વચ્ચે સમાધાન માટેના પ્રયત્નો પણ કરવામાં આવ્યા હતા,અને કંપની સંચાલકો અને વેપારીઓ વચ્ચે હર્ષ સંઘવી અને હીરા ઉદ્યોગપતિ ગોવિંદ ધોળકિયા એ મધ્યસ્થાની ભૂમિકા નિભાવી હતી અને સમાધાન પણ કરાવ્યું હતું. જે વેપારીઓ પાસે કંઈ નથી તેમને આ કેસમાંથી છુટા કરવામાં આવશે તેવી પણ બાંહેધરી આપવામાં આવી હતી. જોકે ત્યારબાદ પણ હીરા વેપારીઓને આ કેસમાંથી છુટા કરવામાં આવ્યા નથી. જેથી ફરી સુરત ડાયમંડ એસોસિએશન ખાતે વેપારીઓએ રજૂઆત કરીને ધરણા પર બેઠા છે.