મનપા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં નવું નજરાણું
રૂ. 32 કરોડના ખર્ચે પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલ સાકાર થઈ
વિદ્યાર્થીઓ માટે આવશ્યક ફર્નીચર સાથેની સુસજ્જ હોસ્ટેલ
કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે હોસ્ટેલનું ઉદ્ઘાટન
વિદ્યાર્થીઓના સુવિધાર્થે હોસ્ટેલનું નિર્માણ : સી.આર.પાટીલ
સુરત મહાનગરપાલિકા સંચાલિત સુરત સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
સુરત મહાનગરપાલિકા શહેરીજનોને ઉત્તમ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે વર્ષોથી કટિબધ્ધ તથા સતત પ્રયત્નશીલ છે. શહેરના નાગરિકોને ઉચ્ચ કક્ષાની વૈદકીય સુવિધાઓ નજીવા ખર્ચે ઉપલબ્ધ કરાવી શકાય તથા તમામ નાગરિકો આ સુવિધાનો લાભ લઈ શકે તેવા ઉમદા હેતુથી વર્ષ 2004માં 1500 OPDની ક્ષમતા ધરાવતી સ્મીમેર હોસ્પીટલ તથા તેને આનુસંગિક વાર્ષિક 100 અન્ડર ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો ઈન્ટેક ધરાવતી કોલેજ કાર્યરત કરવામાં આવી હતી. જે છેલ્લા 20થી વધુ વર્ષોંથી શહેરના નાગરિકોની સેવામાં કાર્યશીલ છે, જ્યાં વધતા જતા દર્દીઓના ધસારા તેમજ સમયાંતરે ઉપલબ્ધ કરાવવામાં આવતા નવા ઈન્ફ્રાસ્ટ્રકચર તથા અન્ય સુવિધાઓના કારણે સ્મીમેર હોસ્પીટલમાં સ્પેસ્યલાઈઝડ ડિપાર્ટમેન્ટસ જેવા કે, સર્જરી, રેડીયોલોજી, ઓર્થોપેડિક, ગાયનેક, ઓપ્થેલ્મોલોજી વિગેરે કાર્યરત થયા છે. તેવામાં સ્મીમેર હોસ્પિટલ કેમ્પસમાં રૂ. 32 કરોડથી વધુના ખર્ચે સાકાર થયેલી પોસ્ટ ગ્રેજ્યુએશન હોસ્ટેલનું કેન્દ્રિય કેબિનેટ જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ હોસ્ટેલની બિલ્ડિંગમાં દરેક માળ પર 12 રૂમ થઈને કુલ 192 રૂમનો સમાવેશ કરવામાં આવ્યો છે. દરેક રૂમ એટેચ્ડ બાથરૂમ, પેન્ટ્રી જેવી પ્રાથમિક સુવિધાઓ તેમજ 02 નંગ સિંગલ બેડ, 02 નંગ સાઈડ ટેબલ્સ, સ્ટડી ટેબલ્સ તથા કબાટ જેવા આવશ્યક ફર્નીચરથી સુસજ્જ કરવામાં આવી છે. કેન્દ્રિય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, પાલિકાએ શહેરના વિકાસ અને પ્રગતિમાં અનેક રેકોર્ડ સર કર્યા છે. સુરતમાં સૌપ્રથમ વખત પાલિકા દ્વારા ગ્રાઉન્ડ પ્લસ 16 માળની અદ્ધતન સુવિધા સાથેમાં પોસ્ટ ગ્રેજ્યુએશનના વિદ્યાર્થીઓના સુવિધાર્થે આ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે.