વહુની દારૂ પાર્ટી પર પોલીસની રેડ
સસરાએ જ પોલીસને આપી માહિતી
જાણીતી હોટલમાં જામી હતી મહેફિલ
બે મહિલા સહિત છ લોકોની ધરપકડ
રૂ.2.55 લાખનો મુદ્દામાલ જપ્ત
સુરત ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટીની મહેફિલ જામી હતી.જોકે એક સસરા પોતાની વહુની દારૂની પાર્ટીથી એટલા કંટાળી ગયા હતા કે તેઓએ જ પોલીસને ફોન કરીને માહિતી આપી રેડ પડાવી હતી,અને પોલીસે બે મહિલા સહિત છ લોકોની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી.
સુરત પોલીસ કંટ્રોલ રૂમને સસરાએ કોલની કરીને પોલીસને માહિતી આપી હતી કે તેમની વહુ પોતાના મિત્રો સાથે ડુમસના એક જાણીતા વિકેન્ડ એડ્રેસ હોટલના રૂમ નંબર 443માં દારૂની પાર્ટી કરી રહી છે.આ કોલ મળતા જ ડુમસ પોલીસ પીસીઆર વાન સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. વિકેન્ડ એડ્રેસના રૂમ નંબર 443નો દરવાજો ખુલ્યો ત્યારે પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. રૂમની અંદર 4 પુરુષ અને 2 મહિલાઓ ફ્લોર પર કુંડાળું વળીને બેઠા હતા અને દારૂની મહેફિલ ચાલી રહી હતી.
તપાસ દરમિયાન, પકડાયેલા લોકોમાં મિત હિમાંશુ વ્યાસ,સંકલ્પ અજય પટેલ, લોક ભાવેશ દેસાઈ અને સમકિત કલાપીભાઈ વિમાવાલાનો સમાવેશ થાય છે. આ પાર્ટીમાં 2 મહિલાઓ પણ હતી, જે બંને આર્ટિસ્ટ છે. મહિલા પોલીસની હાજરીમાં તેમની તપાસ કરવામાં આવી હતી. એક મહિલાની ઉંમર 24 વર્ષ અને બીજીની 25 વર્ષ હતી.
પોલીસે રૂમની તલાશી લેતા ત્યાંથી વિદેશી દારૂની બોટલ,જેની કિંમત રૂપિયા 1500 હતી. આ ઉપરાંત, દારૂ ભરેલા 4 પ્લાસ્ટિકના ગ્લાસ, 4 ખાલી ગ્લાસ, અને સૌથી અગત્યનું 7 મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા,અને આ તમામ મળી કુલ કિંમત રૂપિયા 2 લાખ 55 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.આ સમગ્ર ઘટના અંગે ડુમસ પોલીસે તપાસ શરૂ કરી છે.