પલસાણામાં સંતોષ ટેક્સટાઈલ મિલમાં બ્લાસ્ટ
બ્લાસ્ટ બાદ મિલમાં લાગી ભીષણ આગ
દુર્ઘટનામાં બે કામદારોના નિપજ્યા કરૂણ મોત
ભીષણ દુર્ઘટનામાં મહિલાઓ સહિત 20 કામદારો ઈજાગ્રસ્ત
ફાયર બ્રિગેડ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવાનો કરાયો પ્રયાસ
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી. મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક ફાટતાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ દુર્ઘટનામાં બે કામદારોના મોત થયા હતા,જ્યારે મહિલા સહિતના કામદારો ઈજાગ્રસ્ત થયા હતા.
સુરત જિલ્લાના પલસાણા તાલુકાના જોળવા ગામમાં આવેલી સંતોષ ટેક્સટાઇલ મિલમાં એક ભયાનક દુર્ઘટના સર્જાઈ હતી.મિલમાં કેમિકલ ભરેલું ડ્રમ અચાનક વિસ્ફોટ સાથે ફાટ્યું હતું,જેના કારણે આંખના પલકારામાં મિલમાં આગ ફેલાઈ ગઈ હતી.ડ્રમ ફાટતાની સાથે જ મિલમાં અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ, 108 એમ્બ્યુલન્સ અને કડોદરા તેમજ પલસાણા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.સર્જાયેલી ઔદ્યોગિક દુર્ઘટનામાં 24 વર્ષીય રોશન કુમાર અને 45 વર્ષીય દેવેન્દ્ર બહાદુરસિંહના કરૂણ મોત નિપજ્યા હતા.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રાંત અધિકારી વી.કે.પીપળીયાએ જણાવ્યું હતું કે, પલસાણા તાલુકાના જોળવા ગામમાં સંતોષ મિલમાં ડ્રમ ફાટવાથી આગ લાગી હતી, ઘટનામાં બે કામદારોના મોત થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. 20 લોકો ઈજાગ્રસ્ત હોવાનું તેઓ જણાવી રહ્યા છે, તમામ ઇજાગ્રસ્તો સારવાર હેઠળ હોસ્પિટલમાં છે. સુરત મહાનગર પાલિકા, બારડોલી ફાયર વિભાગ અને 8થી 10 ફાયર ફાઈટરો આગને ઓલવવાની કામગીરીમાં જોડાયા હતા.
ઘટનાસ્થળે પહોંચેલા કામદારોના પરિવારજનો આઘાત અને શોકમાં સરી પડ્યા હતા. પોતાના સ્વજનો અંદર ફસાયેલા હોવાના સમાચાર સાંભળીને તેઓ હૈયાફાટ રુદન કરી રહ્યા હતા. આ દુર્ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.
હાલમાં પોલીસ દ્વારા ઘટનાની તપાસ ચાલી રહી છે. કેમિકલ ડ્રમ ફાટવાનું ચોક્કસ કારણ જાણવા માટે વિશેષ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.