સુરત શહેરના લાલ દરવાજા વિસ્તારમાં 100 ટકા ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. વૃક્ષની છાલમાંથી બનાવાયેલા ગણેશજીનું કુદરતી વાતાવરણમાં સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે ગણેશજીની આ પ્રતિમા સુરતવાસીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની છે.
હાલ ગ્લોબલ વોર્મિંગ સતતને સતત વધી રહી છે. વૃક્ષો દિવસેને દિવસે કપાઈ રહ્યા છે. જેથી વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. ભારતમાં વૃક્ષ વાવવા માટે અને વૃક્ષનું જતન કરવા માટે અનેક મુહિમ ઉઠાવવામાં આવી રહી છે, ત્યારે આ વખતે સુરતમાં ગણપતિ સ્થાપનમાં પણ વૃક્ષ બચાવવાની મુહિમ સાથે લાલ દરવાજા વિસ્તારના એકદંત યુવક મંડળ દ્વારા વેસ્ટેજ વૃક્ષના છાલમાંથી ગણપતિની મૂર્તિ બનાવવામાં આવી છે. વેસ્ટેજ વૃક્ષની છાલમાંથી મૂર્તિ બનાવવા માટે મૂર્તિકારોને 45 દિવસ જેટલો સમય લાગ્યો હતો. આ મૂર્તિની ઊંચાઈ 11 ફૂટ છે, જેની અંદર 200 કિલો ઘાસ અને 300 કિલો માટી સાથે 70થી 80 જેટલી લાકડાની છાલોથી આ મૂર્તિ તૈયાર કરવામાં આવી છે. આ સાથે જ આ મૂર્તિમાં ઇકો ફ્રેન્ડલી વોટર કલરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મૂર્તિની આસપાસ કુદરતી વાતાવરણનો નજારો બનાવવામાં આવ્યો છે. તેમાં પણ વૃક્ષની કુદરતી રીતે તૂટી પડેલી ડાળીઓનો ઉપયોગ કરી બગીચો તૈયાર કરવામાં આવ્યો છે. સાથે જ પક્ષીઓના માળા પણ મુકવામાં આવ્યા છે. એકદંત યુવક મંડળ દ્વારા છેલ્લા 4 વર્ષથી શ્રીજીની સ્થાપના કરવામાં આવે છે. જેમાં દર વર્ષે અલગ અલગ થીમ રાખવામાં આવે છે, ત્યારે આ વર્ષે સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, ત્યારે હાલ તો હાલ સમગ્ર સુરતમાં લાકડાની છાલમાંથી બનાવવામાં આવેલી શ્રીજીની અનોખી પ્રતિમા આકર્ષણનું કેન્દ્ર બની છે.