દિવાળીના દિવસે ફાયર વિભાગ 24 કલાક દોડતું રહ્યું
અલગ અલગ વિસ્તારમાંથી આવતા કોલને પ્રતિસાદ
ફટાકડાના કારણે 126 આગની ઘટનાના કોલ મળ્યા
ક્યાંક ફટાકડામાં તો ક્યાંક શોર્ટ સર્કિટના કારણે આગ
એક ઘટનામાં બાળકી - પરિવારના 5 સભ્યોનું રેસ્ક્યૂ
સુરત શહેરમાં દિવાળીની રાત્રે ફાયર વિભાગ સતત 24 કલાક દોડતું રહ્યું હતું. ફટાકડાના કારણે આગ લાગવાની ઘટના સર્જાતા ફાયર વિભાગને 126 જેટલા કોલ મળ્યા હતા.
પ્રકાશના પર્વ દિવાળીની રાત્રે સુરત શહેરમાં આતશબાજીના કારણે આગ લાગવાની ઘટનાઓનો રાફડો ફાટ્યો હતો. દિવાળીના દિવસે અને આખી રાત દરમિયાન ફાયર વિભાગને કુલ 126 આગના કોલ મળ્યા હતા, જેના કારણે ફાયરની ગાડીઓના સાયરન સતત વાગતા રહ્યા હતા, અને વિભાગના જવાનો દિવસ-રાત દોડતા રહ્યા હતા. આ સાથે જ સુરતના મેયર દક્ષેશ માવાણી પણ રાત્રે ફાયર કંટ્રોલ પર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું.
સદનસીબે, આ તમામ ઘટનાઓમાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હોવાની પ્રાથમિક માહિતી મળતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો. આ તમામ બનાવો વચ્ચે પર્વત પાટિયા વિસ્તારની એક ઘટના સૌથી મહત્વની રહી. પર્વત પાટિયાના જલારામ નગર ખાતે એક મકાનમાં આગ લાગી હતી. ફાયર વિભાગે ત્વરિત કાર્યવાહી કરીને આ આગમાંથી અઢી વર્ષની બાળકી સહિત પરિવારના 5 સભ્યોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કર્યું હતું. ફાયર વિભાગની સતર્કતા અને સમયસરની કાર્યવાહીને કારણે દિવાળીના તહેવારમાં મોટી દુર્ઘટના ટળી હતી, અને કોઈ જાનહાનિ થઈ ન હતી.