નાગરિકોએ ફાળો ઉઘરાવી રસ્તાના ખાડા પૂર્યા
વરાછાની ડાહ્યાપાર્કમાં લોકોએ કર્યો પાલિકાનો વિરોધ
સ્થાનિકોએ ફાળો ઉઘરાવી ખાડામાં માટીનું પુરાણ કર્યું
તંત્રના પાપે સ્થાનિકો બન્યા આત્મનિર્ભર
તંત્ર વેરો લીધા બાદ પણ કામગીરી ન કરતું હોવાનો આક્ષેપ
સુરતમાં વરાછાના ડાહ્યાપાર્કના સ્થાનિકો દ્વારા પોતાના ખર્ચે જ રસ્તાઓનાં સમારકામની જવાબદારી ઉઠાવી લીધી હતી.નાગરિકોએ વહીવટી તંત્રનાં ભરોસે બેસવાને બદલે જાતે જ રસ્તાનાં સમારકામની કામગીરી હાથ ધરી હતી.
સુરત શહેરમાં ઠેર - ઠેર રસ્તાઓ પર ખાડાઓનું સામ્રાજ્ય હવે સામાન્ય ઘટના બની ચુકી છે. વહીવટી તંત્રની ધરાર નિષ્ફળતા અને લાપરવાહીને પગલે શહેરમાં મોટાભાગના રસ્તાઓ જર્જરિત બની ચુક્યા છે. જેને પગલે વાહન ચાલકો તો ઠીક રાહદારીઓને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
જોકે સ્થાનિકોએ વહીવટી તંત્રનાં ભરોસે બેસવાને બદલે રસ્તાઓનાં રિપેરીંગ મુદ્દે આત્મનિર્ભર બની રહ્યા છે.વરાછાના ડાહ્યાપાર્કના રહીશોએ તંત્રના ભરોસા બેસવાના બદલે સ્વખર્ચે રસ્તા પરના ખાડા પુરાવાની કામગીરી હાથ ધરી છે. અને રસ્તાનાં સમારકામનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્રની કામગીરી મુદ્દે જનસમાજમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.