જ્વેલર્સની દુકાનને નિશાન બનાવતા ચોર
બે જેટલી દુકાનોમાં બાકોરું પાડીને કરી ચોરી
જ્વેલર્સની દુકાનના બાથરૂમમાંથી કર્યો પ્રવેશ
ઘટના પાછળ જાણભેદુ હોવાની આશંકા
દુકાનમાં પ્રવેશતાં ચોર સીસીટીવીમાં થયો કેદ
સુરતના પર્વત પાટીયા વિસ્તારમાં બે જેટલી દુકાનોની દીવાલમાં બાકોરું પાડીને ભાવના જ્વેલર્સમાંથી સોના-ચાંદીના ઘરેણાની ચોરી કરવામાં આવી છે. જેમાં જ્વેલર્સ શોપના માલિકે બાજુની દુકાનદારો પર શંકા વ્યક્ત કરી છે.ચોરે ખૂબ જ આયોજનબદ્ધ રીતે આ ઘટનાને અંજામ આપ્યો હતો. જ્વેલર્સની દુકાનમાં સીધો પ્રવેશ કરવાને બદલે, બાજુની દુકાનોનો સહારો લીધો હતો. ચોર શખ્સોએ સૌપ્રથમ નાગનેશી જેન્ડ્સ વેરમાં પ્રવેશ કર્યો હતો. કપડાની દુકાનની દીવાલમાં બાકોરું પાડ્યું અને બાજુમાં આવેલી ફૂટવેરની દુકાનમાં પ્રવેશ કર્યો હતો. ફૂટવેરની દુકાનમાંથી પણ આશરે બેથી અઢી ફૂટ જેટલું મોટું બાકોરું પાડીને ચોર ઇસમ જ્વેલર્સની દુકાનમાં ઘૂસ્યો હતો.
જ્વેલર્સની દુકાનમાં પ્રવેશ્યા બાદ ચોર શખ્સે દુકાનમાં રાખેલી તિજોરીને તોડવાનો પ્રયાસ કર્યો હતો અને દુકાનની અંદર રાખેલા સોના-ચાંદીના કિંમતી ઘરેણાંની ચોરી કરી હતી. ચોરીનો ચોક્કસ આંકડો હજુ સુધી જાણી શકાયો નથી, પરંતુ તે મોટો હોવાની આશંકા છે.ચોર શખ્સ દુકાનમાં પ્રવેશ કરતી વખતે સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો, જેમાં તે મોઢે રૂમાલ બાંધેલો જોવા મળે છે. જોકે, દુકાનમાં પ્રવેશ કર્યા બાદ ચોર દ્વારા સીસીટીવી કેમેરા પણ બંધ કરી દેવાયા હતા,પોલીસે સમગ્ર ઘટના અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી છે,અને આ ઘટનાને અંજામ આપનાર કોઈ જાણભેદુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.