ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યાનગરી ખાતે બુધવારના રોજ ભવ્ય મંદિરના નિર્માણર્થે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં ભૂમિપૂજન વિધિ સંપન્ન થઈ હતી, ત્યારે સુરત શહેર ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત હિન્દુ સંગઠનો દ્વારા ઉત્સવ મનાવી ઉજવણી કરવામાં આવી હતી.
સમગ્ર ભારતમાં આજે રામ નામનો દિવસ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અયોધ્યા પહોચ્યા હતા. વડાપ્રધાન પહેલાં હનુમાન ગઢી જઈ મંદિરમાં આરતી ઉતારી હતી, ત્યારે હનુમાન ગઢી જનારા અને રામલલ્લાના દર્શન કરનાર નરેન્દ્ર મોદી દેશના પહેલાં વડાપ્રધાન બન્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બપોરે 12.30 કલાકે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું હતું, ત્યારે સમગ્ર દેશમાં એક ઉત્સવનો માહોલ જોવા મળ્યો હતો, ત્યારે સુરત શહેરમાં આવેલ માનગઢ ચોક ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સહિત વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા ઉત્સવ મનાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં જય શ્રી રામના નાદ સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. “હરે રામ હરે રામ, રામ રામ હરે હરે”ના તાલ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.