Connect Gujarat
Featured

આજે ગુરુ નાનક જયંતિ, પીએમ મોદી સહિતના દિગ્ગજ લોકોએ કર્યા નમન

આજે ગુરુ નાનક જયંતિ, પીએમ મોદી સહિતના દિગ્ગજ લોકોએ કર્યા નમન
X

આજ રોજ સોમવાર અને 30 નવેમ્બર એટલે ગુરુ નાનક જયંતિ આજે દેશભરમાં ઉજવાઈ રહી છે. શીખ ધર્મના સંસ્થાપક ગુરુ નાનકદેવની જયંતી છે. ગુરુ નાનક સાથે જોડાયેલાં અનેક કિસ્સા છે, જેમાં સુખી અને સફળ જીવનના સૂત્ર જણાવવામાં આવ્યાં છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી સહિતના દિગ્ગજોએ આ વિશેષ પ્રસંગે અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને અભિનંદન સંદેશ આપ્યો છે. તેમણે લખ્યું, 'શ્રી ગુરુ નાનક દેવ જીને તેમના ઉત્સવ પર હું સલામ કરું છું. તેમના વિચારો સમાજની સેવા કરવા તેમજ ઉત્તમ ગ્રહની ખાતરી માટે પ્રેરણા આપે.

https://twitter.com/narendramodi/status/1333244471958355973

ગુરુનાનક દેવએ પ્રામાણિકતાથી કામ કરવાનો બોધપાઠ આપ્યો છે

એકવાર ગુરુ નાનકદેવ કોઇ ગામમાં પહોંચ્યાં. ગામના લોકો ગુરુ નાનકના ઉપદેશ સાંભળવા પહોંચી રહ્યાં હતાં. ગામમાં એક વ્યક્તિ ખૂબ જ ધની હતો. ધની વ્યક્તિ અપ્રામાણિકતાથી કામ કરતો હતો. તે ધનીને નાનકજી વિશે જાણ થઇ ત્યારે તે પણ તેમને મળવા પહોંચી ગયો. ધનીએ ગુરુ નાનકને પોતાના ઘરે આવવાનું આમંત્રણ આપ્યું. પરંતુ, ગુરુ નાનક તેના ઘરે ગયાં નહીં, પરંતુ એક ગરીબના નાના ઘરમાં રોકાવા માટે પહોંચ્યાં.

ગરીબ વ્યક્તિએ ગુરુ નાનકજીનો ખૂબ જ સત્કાર કર્યો. નાનકદેવજી પણ તેના ઘરમાં સૂકી રોટલી ખાતાં હતાં. જ્યારે ધની વ્યક્તિને આ વાતની જાણ થઇ ત્યારે તેણે પોતાના ઘરમાં એક મોટા કાર્યક્રમનું આયોજન કર્યું. કાર્યક્રમમાં બધા મોટા લોકો સાથે ગુરુ નાનકને પણ બોલાવ્યાં.

ગુરુ નાનકે તેના ઘરે જવાની ના પાડી દીધી ત્યારે ધનવાન વ્યક્તિ ગુસ્સે થઇ ગયો. તેણે ગુરુ નાનકને કહ્યું, ગુરુજી મેં તમારા રોકાવા માટે ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. સારું ભોજન પણ બનાવડાવ્યું છે. પરંતુ તમે તે ગરીબના ઘરે સૂકી રોટલી ખાઇ રહ્યા છો, આવું કેમ?

નાનકજીએ કહ્યું, હું તારા ઘરે ભોજન કરી શકું નહીં. કેમ કે, તે આ બધું અપ્રામાણિકતાથી કમાયેલું છે. જ્યારે તે ગરીબ વ્યક્તિ પ્રામાણિકતાથી કામ કરે છે. તેની રોટલી મહેનતની છે.

આ વાત સાંભળીને ધની ખૂબ જ ગુસ્સે થઇ ગયો. તેણે નાનકજીને તેની સાબિતી આપવા માટે કહ્યું.

ગુરુ નાનકે ગરીબના ઘરેથી રોટલી મંગાવી. ગુરુ નાનકે એક હાથમાં ગરીબની સૂકી રોટલી અને બીજા હાથમાં ધની વ્યક્તિની રોટલી રાખી. બંને રોટલીને હાથમાં લઇને જોરથી દબાવી. ગરીબની રોટલીમાંથી દૂધ અને ધની વ્યક્તિની રોટલીમાંથી લોહી ટપકવા લાગ્યું.

આ જોઇને ધનવાન વ્યક્તિ નાનકદેવજીના પગમાં પડી ગયો. ત્યારે નાનકજીએ તેને કહ્યું કે, તારું ધન ગરીબોની સેવામાં વાપરો અને પ્રામાણિકતાથી કામ કરો. ત્યારે જ જીવન સફળ થઇ શકે છે. ધન વ્યક્તિએ ગુરુનાનકની વાત માની લીધી.

Next Story