પાનોલી જીઆઈડીસી માંથી લોખંડનો ભંગાર ભરેલ ટેમ્પા સાથે ૨ ઈસમો ઝડપાયા.

એલસીબી પોલીસે રૂ. ૪ લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ આરંભી
ભરૂચ એલસીબી પોલીસની ટીમે પાનોલી જીઆઈડીસીમાંથી લોખંડનો ભંગાર ભરેલ આઈસર ટેમ્પો અંસાર માર્કેટ તરફ જવાનો હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તા. ૧૭મીની રાત્રિએ પાનોલી જીઆઈડીસીમાં વોચ ગોઠવી હતી. તે દરમ્યાન એક શંકાસ્પદ ટેમ્પો પસાર થતા ટેમ્પાને પોલીસે અટકાવી તેમાં તલાસી લેતાં લોખંડનો ભંગાર મળી આવ્યો હતો.
જે સંદર્ભે ટેમ્પા ચાલક મહંમદ સલીમ શૌકત અલી મુસીબત અલી અંસારી તથા તેનો સાથીદાર વસીમ ખાન મોહમ્મદ, શફી ખાન મેહબુબ અલી ખાન બંને રહેવાસી અંસાર માર્કેટ , અંકલેશ્વરના ઓને પૂછવામાં આવતા તેઓ પોલીસને યોગ્ય પ્રત્યુત્તર આપી શક્યા ન હતા. તેથી પોલીસે બંનેની અટકાયત કરી લોખંડનો ભંગાર, બે મોબાઈલ ફોન અને આઈસર ટેમ્પો મળી કુલ રૂ. ૪,૦૬,૧૫૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.તેમજ આ ભંગારનો સામાન ચોરીનો હોવાની આશંકા રાખી તાલુકા પોલીસ મથકમાં આ અંગે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથધરી છે.