Connect Gujarat
ગુજરાત

વડોદરા: ગુમ થયાના અઢી વર્ષ બાદ નોંધાઇ પરિણીતાના અપહરણની ફરિયાદ

વડોદરા: ગુમ થયાના અઢી વર્ષ બાદ નોંધાઇ પરિણીતાના અપહરણની ફરિયાદ
X

ગાંધીનગર CID ક્રાઇમને તપાસ સોંપાઇ

વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાંથી રહસ્યમય ગુમ થયેલી યુવાન પરિણીતાનો પત્તો ન મળતા ગુજરાત હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરી હતી. જે પિટીશન અંગે હાઇકોર્ટે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને તપાસનો હુકમ કર્યો છે. જ્યારે અઢી વર્ષ બાદ હવે ગોત્રી પોલીસે અજાણ્યા વ્યક્તિઓ સામે પરિણીતાના અપહરણનો ગુનો દાખલ કર્યો છે.

નડિયાદમાં રહેતા વણિક પરિવારની દિપ્તીબહેનનું (નામ બદલ્યું છે) લગ્ન વડોદરા ગોત્રી વિસ્તારમાં રહેતા અને મોબાઇલ ફોન કંપનીમાં નોકરી કરતા સચિન વકીલ સાથે થયું હતું. 16 વર્ષના લગ્ન જીવનમાં એક પુત્ર છે. દિપ્તીબહેન તા.26-7-2017ના રોજ સાંજના સમયે પોતાની એક્ટીવા મોપેડ લઇને હરીનગર ઇસ્કોન મંદિર પાસે આવેલા કિંજલ કમ્પ્યુટર ક્લાસમાં ગઇ હતી. સાંજે 5:30 સુધી દિપ્તી પરત ન ફરતા પરિવારજનોએ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ, દિપ્તી મળી આવી નહતી. આથી પિતાએ ગોત્રી પોલીસ મથકમાં દીકરી ગુમ થયાની અરજી આપી હતી. ગોત્રી પોલીસે ગુમ થયાની અરજી લઇ તપાસ શરૂ કરી હતી. પરંતુ, ગોત્રી પોલીસને પણ દિપ્તી મળી આવી ન હતી.

ગોત્રી પોલીસ બે વર્ષના સમયગાળા દરમિયાન પણ રહસ્યમય ગુમ થયેલી દિપ્તીને શોધી ન શકતા દિપ્તીના પિતાએ જમાઇ સચિન વકીલને હેબીયસ કોપર્સ દાખલ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, જમાઇએ દાખલ ન કરતા દિપ્તીના પિતાએ તા.1-9-2017ના રોજ ગુજરાત હાઇકોર્ટમાં સ્પેશ્યલ ક્રિમીનલ એપ્લીકેશન નંબર-6539-17થી હેબીયસ કોપર્સ દાખલ કરી હતી. જે પિટીશન અંગે ગુજરાત હાઇકોર્ટે બે વર્ષ પૂર્વે રહસ્યમય ગુમ થયેલી દિપ્તીની તપાસ કરવા માટે સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને તપાસનો હુકમ કર્યો છે. આ સાથે ગોત્રી પોલીસને ફરિયાદ દાખલ કરવા હુકમ કર્યો હતો. ગોત્રી પોલીસે તા. 7-1-2020ના અપહરણનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

દિપ્તીના પિતાએ વાતચિતમાં જણાવ્યું હતું કે, દીકરી અને જમાઇ વચ્ચે ઘરકામ સહિત અન્ય બાબતોએ અવાર-નવાર ખટરાગ થતો હતો. જમાઇ સચિનના અન્ય યુવતી સાથે સબંધો હોવાથી દીકરી અને જમાઇ વચ્ચે ખટરાગ ચાલતો હતો. આથી અમોને શંકા છે કે, દીકરી સાથે કંઇ અજુગતું થયું છે. દરમિયાન અમે જમાઇ સચિન વકીલને હાઇકોર્ટમાં હેબિયર્સ કોપર્સ દાખલ કરવા માટે જણાવ્યું હતું. પરંતુ, જમાઇએ હેબીયસ કોપર્સ દાખલ ન કરતા અમોને દીકરી સાથે કંઇક અજુગતું થયું હોવાની શંકા મજબૂત બની હતી. આથી અમારી દીકરીની ભાળ મેળવવા હાઇકોર્ટમાં હેબીયસ કોપર્સ દાખલ કરી હતી. જે અંગે કોર્ટે દીકરીની તપાસ કરવા સી.આઇ.ડી. ક્રાઇમ ગાંધીનગરને તપાસ કરવા હુકમ કર્યો છે.

Next Story