Connect Gujarat
ગુજરાત

વડોદરા : ક્ષત્રિય સમાજ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી “વિશ્વ દિવ્યાંગ દિન”ની કરાઇ ઉજવણી

વડોદરા : ક્ષત્રિય સમાજ દ્વારા પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવી “વિશ્વ દિવ્યાંગ દિન”ની કરાઇ ઉજવણી
X

શહેરમાં વિશ્વ દિવ્યાંગ દિનની વિવિધ કાર્યક્રમો સાથે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે શહેરના ક્ષત્રિય સમાજ પરિવારના પુત્રના લગ્ન નિમીત્તે 100 પ્રજ્ઞાચક્ષુઓને જમાડીને વિશ્વ દિવ્યાંગ દિનની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં પરિવારજનોએ પ્રજ્ઞાચક્ષુઓને પોતાના સ્વજનની જેમ જમાડ્યા હતા. પ્રજ્ઞાચક્ષુઓને જમાડતી વખતે પરિવારની આંખો હર્ષના આંસુઓથી છલકાઇ ગઇ હતી.

વડોદરા શહેરમાં આવેલા નંદેશરી નજીક રેઢીયાપુરા ગામના વતની જગદીશસિંહ ચૌહાણ હાલમાં છાણી જકાતનાકા પાસે આવેલ બી-86, યોગીનગર ટાઉનશિપમાં પરિવાર સાથે રહે છે. વર્ષોથી સમાજની સેવા સાથે સંકળાયેલા જગદીશસિંહ ચૌહાણનું વર્ષોથી પ્રજ્ઞાચક્ષુઓને જમાડવાનું સ્વપ્ન હતું. વિશ્વ દિવ્યાંગ દિને તેઓએ તેઓના ઘર આંગણે શહેર-જિલ્લાની વિવિધ સંસ્થાઓ તેમજ શહેર-જિલ્લામાં રહેતા 100 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને ભેગા કરીને પ્રિતી ભોજન કરાવ્યું હતું. પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવતી સમયે જગદીશસિંહ ચૌહાણ અને તેમના પરિવારજનો પોતાના આંસુ રોકી શક્યા ન હતા. આ સમયે ઉપસ્થિત મહેમાનોની પણ આંખો ભીંજાઇ ગઇ હતી.

રેઢીયાપુરા ગામમાં માજી સરપંચ તરીકે રહી ચુકેલા જગદીશસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, તા. 5 ડિસેમ્બરે મારા પુત્રના લગ્ન છે. યોગાનું યોગ વિશ્વ દિવ્યાંગ દિન બાદ પુત્ર આકાશસિંહના લગ્નની તારીખ આવતા વિશ્વ દિવ્યાંગ દિનના દિવસે 100 જેટલા પ્રજ્ઞાચક્ષુઓને જમાડવાનો નિર્ધાર કર્યો હતો. આજે 100 પ્રજ્ઞાચક્ષુઓને ભોજન કરાવીને મેં મારી જિંદગીનું મોટામાં મોટું સ્વપ્ન પૂરું કર્યું છે, તેનો મને આનંદ છે.

Next Story