ડેસર ખાતે રૂપિયા 200 કરોડના ખર્ચે સ્થપાઇ રહેલી સ્પોર્ટસ યુનિવર્સિટીને વધુ ૫૦૦ કરોડની જોગવાઇ દ્વારા દેશમાં મોડેલરૂપ બનાવાશે : ખેલ રાજ્યમંત્રી

વડોદરા સ્થિત સમા સ્પોર્ટસ કોમ્પલેક્સ ખાતે ખેલ મહાકુંભ-2018 હેઠળ રાજ્યકક્ષાની કરાટે સ્પર્ધાઓ શરૂ કરાવી હતી. જેમાં વિવિધ વયજુથના દૈનિક અંદાજે 1 હજાર ખેલાડીઓ રમશે. આ સ્પર્ધાઓ તા.11 મી ડિસેમ્બર સુધી ચાલશે. આ તબક્કે રાજ્યનાં રમત મંત્રી ઈશ્વરસિંહ પટેલે સમા સ્પોર્ટસ કોમ્પલેક્સના અદ્યતનીકરણની પણ જાહેરાત કરી હતી.

ખેલ રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, વડોદરા જિલ્લાના ડેસર તાલુકા મથકે રૂપિયા 200 કરોડની જોગવાઇથી દેશની બીજી સ્પોર્ટસ યુનિવર્સિટીનું સંકુલ બનાવવામાં આવી રહ્યું છે. આ સંકુલના વિકાસ માટે તબક્કાવાર રૂા. ૫૦૦ કરોડની વધારાની જોગવાઇથી, તેને આંતરરાષ્ટ્રીય માપદંડો પ્રમાણેની રમત પ્રશિક્ષણ સુવિધાઓથી સુસજ્જ કરાશે અને દેશ માટે રમત પ્રશિક્ષણની મોડેલરૂપ સંસ્થા બનાવાશે.  ભારત દેશી રમતોનો ગૌરવ વારસો ધરાવે છે એવી લાગણી વ્યક્ત કરતાં મંત્રી ઇશ્વરસિંહ પટેલે જણાવ્યું કે, પ્રાચીન કાળથી રમતો ભારતીય સંસ્કૃતિનો ભાગ રહી છે.

વડોદરાનાં મેયર ડૉ. જિગીષાબહેન શેઠે યુવતીઓ આત્મરક્ષણ માટે કરાટે શીખે એવો અનુરોધ કરવાની સાથે, સમા સ્પોર્ટસ કોમ્પલેક્સના અદ્યતનીકરણમાં રાજ્ય સરકારની સહાયની જાહેરાત કરવા માટે મંત્રીનો આભાર માન્યો હતો. સાંસદ રંજનબહેન ભટ્ટે સમા રમત સંકુલના વિકાસ માટે રાજ્ય સરકારની મદદની અનિવાર્યતા સમજાવી હતી.

આ પ્રસંગે ધારાસભ્ય જીતુભાઇ સુખડિયા, નાયબ મેયર ડૉ. જીવરાજ ચૌહાણ, સ્થાયી અધ્યક્ષ સતીષ પટેલ, નગરસેવકો, નાયબ મ્યુનિસિપલ કમિશનર પંકજ ઔંધીયા, જે.ડી.ચૌહાણ, અરવિંદ પ્રજાપતિ, મહેશ રાવલ સહિત કરાટે સંઘો અને આયોજન સમિતિના પદાધિકારીઓ, રમત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.  જિલ્લા રમતગમત અધિકારીશ્રી કેતુલ મહેરીયાએ સહુને આવકારતા જણાવ્યું કે, ખેલ મહાકુંભમાં સન ૨૦૧૬થી કરાટેનો સમાવેશ કરવામાં આવ્યો છે અને છેલ્લા ત્રણ વર્ષથી વડોદરામાં તેનું આયોજન થઇ રહ્યું છે. જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્રના સિનિયર કોચ જયેશ ભાલાવાળાએ સહુનો આભાર માન્યો હતો.

LEAVE A REPLY