Connect Gujarat
વડોદરા 

કેન્દ્રીય ચૂંટણી પંચની "સમીક્ષા" : વડોદરા સહિત મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો પર 1.67 કરોડ મતદારો કરશે મતદાન...

6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

કેન્દ્રીય ચૂંટણી પંચની સમીક્ષા : વડોદરા સહિત મધ્ય ગુજરાતના 6 જિલ્લાની 36 બેઠકો પર 1.67 કરોડ મતદારો કરશે મતદાન...
X

આગામી વિધાનસભાની સામાન્ય ચૂંટણીને અનુલક્ષીને વડોદરા ખાતે આવેલા કેન્દ્રીય ચૂંટણી પંચના નાયબ કમિશનર હ્રિદેશ કુમાર અને મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારથી દ્વારા મધ્ય ગુજરાતના 6 જિલ્લાની ચૂંટણી તૈયારીઓની સમીક્ષા કરવામાં આવી હતી. આ 6 જિલ્લાના કલેક્ટરો અને જિલ્લા પોલીસ અધિક્ષકો દ્વારા તેમના જિલ્લામાં કરવામાં આવેલી તૈયારીઓનું વિસ્તૃત પ્રેઝેન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું.

વડોદરા ઉપરાંત મધ્ય ગુજરાતના આણંદ, ભરૂચ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર જિલ્લાના કુલ ૧,૬૭,૦૧,૬૭૪ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બનશે, ત્યારે ચૂંટણી પંચના નાયબ કમિશનર હ્રિદેશ કુમારે મતદાર શિક્ષણ માટે સ્વીપ એક્ટિવિટી, કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, સ્ટાફ મેનેજમેન્ટ, લોજીસ્ટિક મેનેજમેન્ટ સહિતની બાબતો ઉપર મહત્વપૂર્ણ માર્ગદર્શન આપી તૈયારીઓની ઉચ્ચ સ્તરીય સમીક્ષા કરી હતી.

વડોદરાના કલેક્ટર અતુલ ગોરે આ બેઠકમાં એવી વિગતો પ્રસ્તુત કરી હતી કે, શહેર અને જિલ્લામાં કુલ ૧૦ બેઠકો ઉપર ગત્ત ઓક્ટોબરની ૧૦મી તારીખની સ્થિતિએ કુલ ૨૬૦૨૨૭૨ મતદારો નોંધાયા છે. તે પૈકી દિવ્યાંગ મતદારોની સંખ્યા ૨૬૦૮૪ છે. જિલ્લામાં કુલ ૨૫૮૯ મતદાન મથકો છે. વિશેષ અભિયાનના ભાગ રૂપે મહિલા સંચાલિત ૭૦ મતદાન મથકો, દિવ્યાંગ કર્મયોગીઓ સંચાલિત ૧૦ અને ૧૦ આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે.

તો આવી જ વિગતો રજૂ કરતા આણંદના કલેક્ટર ડી.એસ.ગઢવીએ રજૂ કરી કે, આણંદમાં ૧૫૯૩૬ દિવ્યાંગો સહિત કુલ ૧૭૬૪૩૮૪ મતદારો નોંધાયા છે. આણંદમાં કુલ સાત બેઠકો છે. જે મધ્યગુજરાતમાં વડોદરા પછી સૌથી વધુ બેઠકો ધરાવે છે. અહીં ૧૮૧૦ મતદાન મથકો, મહિલાઓ સંચાલિત ૪૯, દિવ્યાંગ કર્મયોગી સંચાલિત ૭ અને ૭ આદર્શ મતદાન મથક સૂચિત છે.

એ જ રીતે ભરૂચના કલેક્ટર તુષાર સુમેરાએ આંકડાકીય વિગતો પ્રસ્તુત કરી કે, મહત્તમ ઔદ્યોગિક વિસ્તાર ધરાવતા ભરૂચમાં કુલ ૫ બેઠકો માટે ૧૪૬૧૧ દિવ્યાંગો સહિત કુલ ૧૨૬૫૫૮૮ મતદારોની નોંધણી કરવામાં આવી છે. મહિલા સંચાલિત ૩૫ મતદાન મથકો, દિવ્યાંગ કર્મયોગીઓ સંચાલિત ૫ અને ૫ આદર્શ મતદાન મથકો બનાવવામાં આવશે.

પંચમહાલ જિલ્લામાં ૮૦૧૧ દિવ્યાંગો સહિત કુલ ૧૩૦૦૧૭૯ મતદારો પાંચ બેઠકો ઉપર ૧૫૧૦ મથકો ઉપરથી મતદાન કરશે. જિલ્લામાં કુલ ૩૫ મથકોનું મહિલાઓ દ્વારા સંચાલન કરવામાં આવશે. જ્યારે, ૫ મથકોનું દિવ્યાંગ ચૂંટણીકર્મી દ્વારા સંચાલન કરવામાં આવશે. પાંચ મથકોને આદર્શ મતદાન મથક બનાવવાનું આયોજન હોવાનું કલેક્ટર સુજલ મયાત્રાએ જણાવ્યું હતું.

દાહોદ જિલ્લા દ્વારા મધ્યપ્રદેશ અને રાજસ્થાનના પાડોશી જિલ્લાના પોલીસ અધિકારીઓ સાથે બેઠક યોજવામાં આવી છે અને તેમાં જરૂરી સૂચનાઓ આપી દેવામાં આવી છે, તેમ કહેતા કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીએ વિગતો રજૂ કરી કે, દાહોદ જિલ્લામાં કુલ ૬ બેઠકો છે. ૩૩૧૧૧ દિવ્યાંગો સહિત કુલ ૧૫૮૩૬૧૫ મતદારો નોંધાયા છે. મતદાન મથકોની સંખ્યા ૧૬૬૨ છે. ૪૨ મહિલા મતદાન મથક, ૬ દિવ્યાંગ પોલિંગ સ્ટેશન અને પાંચ આદર્શ મતદાન મથક સૂચિત છે. માઇગ્રન્ટ શ્રમિકો દ્વારા મહત્તમ મતદાન પ્રક્રીયામાં ભાગ લેવામાં આવે, તેવા પ્રયાસો પ્રશાસન દ્વારા કરવામાં આવી રહ્યા છે.

છોટાઉદેપુરના કલેક્ટર સ્તુતિ ચારણે માહિતી પ્રસ્તુત કરી કે, ત્યાં ત્રણ બેઠકો ઉપર ૮૪૪૯ દિવ્યાંગો સહિત કુલ ૮૧૮૫૭૩ મતદારો નોંધાયા છે, જ્યારે ૧૦૫૮ મતદાન મથકો છે. ત્યાં ૨૧ મહિલા મતદાન મથક, ૩ દિવ્યાંગ પોલિંગ સ્ટેશન અને ૬ આદર્શ મતદાન મથકનું આયોજન છે. આમ, ઉક્ત 6 જિલ્લાઓની કુલ વિગતો જોઇએ તો, કુલ બેઠકો ૩૬, કુલ પોલિંગ સ્ટેશન ૯૯૮૭, દિવ્યાંગ મતદારો ૧૦૬૨૦૨, ૨૫૨ મહિલા મતદાન મથક, ૩૬ દિવ્યાંગ પોલિંગ સ્ટેશન અને ૩૯ આદર્શ મતદાન મથકનું આયોજન છે. આ બેઠકમાં ઉક્ત જિલ્લાઓના પોલીસ વડાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

Next Story