વાઘોડિયા નજીક આવેલા દેવ ડેમમાં સતત પાણીની આવક
પાણીની આવકના કારણે દેવ ડેમ છલકાવાની સ્થિતિમાં આવ્યો
નદીના કિનારે આવેલા 16 ગામોને તંત્ર દ્વારા સાવચેત કરાયા
દંગીવાડા, કબિરપૂરા, નારણપુરા, બાંબોજ ગામમાં પાણી ઘૂસ્યા
પાણીની ભારે આવક થતાં ડભોઇ-વાઘોડિયા રોડ બંધ કરાયો
દેવ ડેમમાં છોડવામાં આવી રહેલા પાણીના કારણે પરિણામે વડોદરા જિલ્લાના વાઘોડિયા અને ડભોઈ તાલુકાના 16 ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
ઉપરવાસના દેવ જળાશયની જળ સપાટી હાલમાં 89.65 મીટર પર પહોચી છે. જળાશયનું રૂલ લેવલ જાળવવા 2 દરવાજાને ખોલવામાં આવ્યા છે. આમ, ડેમમાં પાણીની આવક 1431.23 ક્યુસેક છે. પાણીનો ફ્લો 1364.57 ક્યુસેક રહ્યો છે. તો બીજી તરફ, દેવ જળાશયના પાણી વડોદરા જિલ્લામાંથી પસાર થતી ઢાઢર નદીમાં આવતા ફરી એકવાર પૂરની પરિસ્થિતી સર્જાય છે. જેના પગલે વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોના લોકોને સાવચેત કરવા સાથે તકેદારીના પગલાં લેવામાં આવ્યા છે.
આ તરફ, ડભોઇ નજીક ઢાઢર નદીમાં ફરી એકવાર પૂરની પરિસ્થતિ સર્જાઇ છે. ઉપરવાસમાં વરસાદને પગલે ફરી દેવ ડેમમાંથી પાણી છોડાયું છે. ડભોઇના દંગીવાડા, કબિરપૂરા, નારણપુરા, બાંબોજ સહિત કરાલીપુરા ગામોના મુખ્ય માર્ગો ઉપર ગોઠણસમાં પાણી ભરાયા છે. સિઝનમાં ચોથી વખત ઢાઢર નદી ઉફાને ચડી છે. 7 જેટલા ગામના મુખ્ય માર્ગ ઉપર પાણી ફરી વળતા સંપર્ક તૂટ્યો છે. જોકે, વડોદરા જિલ્લા કલેક્ટર બીજલ શાહે તાલુકા લાયઝન અધિકારીઓને સ્થિતિ પર નજર રાખી અગમચેતીના તમામ જરૂરી પગલાં લેવા પ્રાંત અધિકારી ડભોઈ, મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને તલાટીઓએ સૂચના આપી છે.