ભાયલી વિસ્તારના ફ્લેટમાં પિતા-પુત્રીનો આપઘાત
ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવતા ચકચાર
તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડ્યો
સામૂહિક આપઘાતના મામલાની તલસ્પર્શી તપાસ શરૂ
આપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ હાલ અકબંધ
વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં ભાડેથી રહેતા પિતા-પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. બનાવની જાણ થતાં જ વડોદરા તાલુકા પોલીસ કાફલો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યો હતો.
મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના ભાયલી વિસ્તારમાં આવેલ ધી ફ્લોરન્સ ફ્લેટમાં ચિરાગ બ્રમ્હાણી અને તેમની પુત્રી 2 માસથી ભાડેથી મકાન રાખીને રહેતા રહેતા હતા. ચિરાગ બ્રમ્હાણી અને તેમની 8 વર્ષની પુત્રીએ જીવન ટુંકાવ્યું હોવાની કમકમાટીભરી ઘટના સામે આવી છે. ઘટનાની જાણ થતા જ તાત્કાલીક વડોદરા તાલુકા પોલીસ દોડી આવી હતી. અને મામલાની તલસ્પર્શી તપાસ હાથ ધરવામાં આવી છે.
ભાયલી વિસ્તારમાં આવેલા ફ્લેટમાં રહેતા પિતા-પુત્રીએ શંકાસ્પદ દવા ગટગટાવીને જીવનનો અંત આણ્યો હોવાનું પ્રાથમિક સુત્રો જણાવી રહ્યા છે. સ્થાનિકે જણાવ્યું હતું કે, અમને કહ્યું હતું કે, બહાર રહેલા બુટની અંદર ચાવી છે. ચાવીથી તાળું ખોલીને જોતાં બેડ પર સૂતેલી હાલતમાં જોવા મળ્યા હતા. અમને અંદાજો લાગ્યો કે, તેમનું મૃત્યુ થઇ ગયું છે. એટલે તાત્કાલીક 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી.
108ની મેડિકલ ટીમ આવીને તપાસ કરતા 3-4 કલાક પહેલા મૃત્યુ થયું હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસને જાણ કરવામાં આવી હતી. જોકે, પિતા-પુત્રીના સામૂહિક આપઘાતનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.