વડોદરા શહેરમાં રખડતાં ઢોરના કારણે ઉપરાછાપરી બનેલ અકસ્માતની ઘટનાઓને પગલે મહાનગરપાલિકાનું તંત્ર હરકતમાં આવ્યું છે. 70 ઉપરાંત રખડતાં ઢોરોને પકડીને આગળની કાર્યવાહી કરવા અંગે વિચારણા કરવામાં આવી રહી છે.
થોડા દિવસોમાં વડોદરાના વિવિધ વિસ્તારોમાં રખડતાં ઢોરોનો ભોગ નિર્દોષ જનતા બની છે, અને અગાઉ પણ રખડતાં ઢોરના કારણે ગંભીર બનાવ બનતા ઘણાં લોકોના ઘરનો આધાર છીનવાયો છે. તો કેટલાક આખી જીંદગી માટે ખોડખાંપણનો ભોગ બન્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા હવે હરકતમાં આવી છે અને શહેરમાં રખડતાં ઢોરોને પકડવાની ઝૂંબેશ તેજ કરી છે. 3 શિફ્ટમાં ઢોરપાર્ટી દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે. શહેરથી થોડે દૂર ખટંબા ખાતે કેટલ શેડ તૈયાર કરવામાં આવ્યો છે, જ્યાં રખડતાં ઢોરોને રાખવામાં આવશે. અત્યાર સુધીમાં 19167 જેટલાં રખડતાં ઢોરોને પકડવામાં આવ્યા છે. જેમાં 2351 રખડતાં ઢોર માટે દંડની કાર્યવાહી બાદ સોંપવામાં આવેલ તથા 986 જેટલા આવા પશુ માલિકો વિરુદ્ધ ફરિયાદ તથા કેટલાક લોકોને પાસા પણ થઇ છે, ત્યારે શહેરના વિવિધ વિસ્તારોને રખડતાં પશુઓથી મુક્ત કરવા શું કરી શકાય તે અંગે પાલિકા તંત્ર હવે કટિબદ્ધ બન્યું છે.