Connect Gujarat
વડોદરા 

વડોદરા : ફતેપુરામાં દૂષિત પાણી મુદ્દે સ્થાનિકો સાથે કોર્પોરેટરોનું ઉદ્ધતાઈ ભર્યું વર્તન..!

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરી હતી.

X

વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં દુર્ગંધ મારતા દૂષિત પાણીના ત્રાસથી કંટાળેલી ગૃહિણીઓએ સ્થાનિક ભાજપ મહિલા કોર્પોરેટરોને રજૂઆત કરી હતી. જોકે, મહિલા કોર્પોરેટરોએ ઉદ્ધતાઈ ભર્યો જવાબ આપતા સ્થાનિક મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

વડોદરા કોર્પોરેશનના સત્તાધીશો સ્માર્ટ સિટીની ગુલબાંગો પોકારે છે. પરંતુ દિન-પ્રતિદિન કોર્પોરેશનની વડી કચેરી ખંડેરાવ માર્કેટ ખાતે પાણીના કકળાટ સાથે નગરજનોના પહોંચતા મોરચા વાસ્તવિકતા છતી કરે છે. ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં વર્ષોથી પાણીનો કકળાટ છે. પરંતુ નવાઇની વાત તો એ છે કે, ઘણા વિસ્તારોમાં પીવાનું પાણી ડ્રેનેજ મિશ્રિત આવતું હોવાની બુમો ઉઠી છે. તેવામાં હવે શહેરના ફતેપુરા વિસ્તારમાં કોયલી ફળિયામાં છેલ્લા 2 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા હોવાથી ગૃહિણીઓએ તંત્ર વિરુદ્ધ આક્રોશ દર્શાવ્યો હતો.

જોકે, આ મામલે સ્થાનિક કોર્પોરેટર ભૂમિકા રાણા તથા શ્વેતા ચૌહાણને સ્થાનિક મહિલાઓએ વારંવાર રજૂઆત કરી છે. પરંતુ તેઓ સત્તાના નશામાં ચકનાચૂર હોય તેમ ઉદ્ધતાઈ ભર્યું વર્તન કરી જણાવે છે કે, તમારે વરઘોડો કાઢવો હોય તો કાઢો. પાણી ગંદુ જ મળશે અથવા તમારા ખર્ચે નવી લાઇન નંખાવો. આ પ્રકારના શબ્દો સ્થાનિક કોર્પોરેટરોને શોભા દેતા નહીં હોવાના આક્ષેપ સાથે સ્થાનિક મહિલાઓમાં ભારે નારાજગી જોવા મળી હતી.

સમગ્ર મામલે સ્થાનિક કોર્પોરેટર શ્વેતા ચૌહાણે જણાવ્યું હતું કે, હાલ મને ઈંજરી પહોંચતા સારવાર હેઠળ છું. સ્થાનિક મહિલાઓની રજૂઆત સાંભળી ઉપર અધિકારીઓને અમે ધ્યાન દોર્યું છે. સ્થાનિકો વરઘોડો નીકાળવા માંગતા હોય તો અમે રોકી ન શકીએ. તો બીજી તરફ કોર્પોરેટર ભૂમિકા રાણાએ જણાવ્યું હતું કે, અમે કોઈ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું નથી. વોર્ડ પ્રમુખ સાથે વાત કર્યા બાદ વધુ વિગતો આપવામાં આવશે. જોકે, આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ નહીં આવે તો સ્થાનિક મહિલાઓએ પાલિકા કચેરીણે માથે લેવાની પણ ચીમકી ઉચ્ચારી છે.

Next Story