Connect Gujarat
વડોદરા 

વડોદરા : ઇ-ચલણની આવકમાંથી 50 ટકા રકમની કોર્પોરેશને કરી માંગ, જુઓ લોકોમાં શું થઈ ચર્ચા..!

શહેરમાં 372 સ્થળોએ 1246 CCTV કેમેરા કાર્યરત કરાયા, સૌથી વધુ દંડ ઉઘરાવતી પોલીસ કમિ. કચેરીનો વેરો બાકી

X

અમદાવાદ અને રાજકોટની જેમ વડોદરા સ્માર્ટ સિટીને પણ ઇ-ચલણમાંથી 50 ટકા આવકની કોર્પોરેશને માંગ કરી છે, જોકે, સૌથી વધુ દંડ ઉઘરાવતી પોલીસ કમિ.ની કચેરીનો જ રૂપિયા 8.34. કરોડનો વેરો બાકી હોય, ત્યારે કોર્પોરેશનની આ માંગણી લોકોમાં ચર્ચાનો વિષય બની છે.

વડોદરા શહેરમાં લોકોની સુરક્ષાના ઉદ્દેશ સાથે સીસીટીવી કેમેરા લાગાડવામાં આવ્યા છે. જેમાં ગુનેગારો ઓળખાય, પોલીસ ગુનાઓ બનતા અટકાવે સાથે કેસનો ઝડપથી નિકાલ કરી શકાય, મિલકતની ચોરી અને તોડફોડ સામે રક્ષણ આપે તે માટે સર્વેલન્સ કેમેરા ઘણા ગુનાઓનું નિરાકરણ પ્રદાન કરે છે. પરંતુ પોલીસ વિભાગ મુખ્યત્વે HSRP નંબર પ્લેટ, સીટ બેલ્ટ, હેલ્મેટ સહિતના કારણોસર ફક્ત સામાન્ય નાગરિક સામે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યું હોવાનું ફલિત થાય છે, જ્યારે આજે પણ શહેરમાં ગુનાખોરીનું પ્રમાણ વધવાની સાથે ટ્રાફિકની સમસ્યા યથાવત છે. વડોદરા કોર્પોરેશન દ્વારા પણ લોકો સામે વિવિધ બાબતે દંડાત્મક કાર્યવાહી હાથ ધરાય હતી. પરંતુ રાજકીય દાવપેચ વચ્ચે મોળો પ્રતિસાદ સાંપડ્યો છે.

વડોદરા કોર્પોરેશન દ્વારા વર્ષ 2018થી સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ હેઠળ વડોદરા પોલીસ વિભાગને નિરીક્ષણ માટે ફીડ આપવામાં આવી છે. જેના થકી પોલીસ વિભાગે મુખ્ય ઉદ્દેશ કોરાણે મૂકી નાગરિકો સામે દંડાત્મક કાર્યવાહી કરી કરોડ રૂપિયાના દંડની વસૂલાત કરી છે, તો બીજી તરફ વડોદરા કોર્પોરેશન દ્વારા ઈ-ચલણની રકમમાંથી 50 ટકા હિસ્સો મેળવવા રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી છે. વડોદરા કોર્પોરેશન દ્વારા રાજ્ય સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગને રજૂઆત કરવામાં આવી છે કે, સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત વડોદરા શહેરને સેફ એન્ડ સિક્યોર પ્રોજેક્ટ સંદર્ભે વર્ષ 2021ની તા. 9 ઓક્ટોબરના રોજ મુખ્ય સચિવની અધ્યક્ષતામાં બેઠક મળી હતી. જેમાં આ પ્રોજેક્ટના ઓપરેશન અને મેઇન્ટેનન્સ માટે ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર વ્યક્તિઓને ઇસ્યુ કરવામાં આવતા ઇ-ચલણની આવકના 50 ટકા રકમ કોર્પોરેશનને મળવી જોઈએ તેવી રજૂઆત કરાય હતી.

વડોદરા કોર્પોરેશન શહેરમાં 1 હજાર જેટલા CCTV કેમેરા લગાવ્યા છે. જેનું મોનિટરિંગ વડોદરા કોર્પોરેશન તથા ટ્રાફિક અને ઇ-ચલણ માટે પોલીસ વિભાગ કરી રહ્યું છે. જેથી 50 ટકા આવક વડોદરા સ્માર્ટ સિટીને મળે તે જરૂરી છે. અમદાવાદ તથા રાજકોટની જેમ વડોદરા સ્માર્ટ સિટીને પણ 50 ટકા આવકના ઇ-ચલણ મળવા જોઈએ તેવી રજૂઆત કરાય હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વડોદરા કોર્પોરેશન દ્વારા શહેરના અલગ-અલગ 372 સ્થળોએ 38 ઓટોમેટીક નંબર પ્લેટ રેકોગ્નિશન કેમેરા, 153 પેન ટીલ્ટ ઝૂમ કેમેરા અને 1055 ફિક્સ કેમેરા મળી કુલ 1246 કેમેરા લગાડવામાં આવ્યા છે. જોકે, સૌથી વધુ દંડ ઉઘરાવતી પોલીસ કમિ.ની કચેરીનો જ રૂપિયા 8.34. કરોડનો વેરો બાકી હોય, ત્યારે સત્તાવાર રકમ સામે કોર્પોરેશન આંખ મિચામણા કરી પોલીસની ઇ-ચલણ આવકમાંથી 50 ટકા રકમની માંગણી કરતા ચર્ચાનો વિષય બન્યો છે.

Next Story